દુકાનદારે ગ્રાહકને ત્રણ રૂપિયા પરત ન આપ્યા, હવે ભરવો પડશે 25 હજાર રૂપિયા દંડ, જાણો શું છે સમગ્ર ઘટના?
આ પછી તેમણે ગોયલ પ્રિન્ટિંગ ઝોન સામે કન્ઝ્યુમર ફોરમનો સંપર્ક કર્યો હતો
ઓડિશાના સંબલપુર ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને એક વ્યક્તિ પાસેથી ઝેરોક્ષની ફી તરીકે 3 રૂપિયા વધારાના વસૂલવા બદલ દુકાનના માલિકને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પંચે દુકાન માલિકને વધારાના 3 રૂપિયા પરત કરવા પણ કહ્યું છે. આ અંગે ગ્રાહક અને ફરિયાદી પ્રફુલ્લ કુમાર દાશે જણાવ્યું કે 28 એપ્રિલ, 2023ના રોજ તેઓ એક દસ્તાવેજની ફોટોકોપી લેવા માટે સંબલપુરના બુધરાજામાં ગોયલ પ્રિન્ટીંગ ઝોનમાં ગયા હતા. તેમણે 5 રૂપિયા ચૂકવ્યા હતા અને દુકાનદારને 3 રૂપિયા પરત કરવા કહ્યું હતું કારણ કે ઝેરોક્ષનો દર પ્રતિ નકલ 2 રૂપિયા હતો.
તેમનો આરોપ હતો કે દુકાન માલિકે 3 રૂપિયા પરત કરવાનો ઇનકાર કર્યો હતો અને ફરિયાદી સાથે ગેરવર્તન કર્યું હતું. પ્રફુલ્લ દાશે જણાવ્યું હતું કે દુકાન માલિકની ખુરશી પર બેઠેલા વ્યક્તિએ તેને ભિખારી કહીને સંબોધન કર્યું અને અપમાનજનક રીતે કહ્યું કે મેં ભિખારીને દાન આપ્યું છે. આ પછી તેમણે ગોયલ પ્રિન્ટિંગ ઝોન સામે કન્ઝ્યુમર ફોરમનો સંપર્ક કર્યો હતો.
30 દિવસમાં દંડ ભરો નહીં તો....
અહીં કન્ઝ્યુમર ફોરમે સમગ્ર મામલો સમજ્યા બાદ અને ઝેરોક્ષની દુકાનના માલિકનો પક્ષ જાણ્યા બાદ આદેશ જાહેર કર્યો હતો. કન્ઝ્યુમર ફોરમે દુકાનદારને 30 દિવસમાં ફરિયાદીને પૈસા પરત કરવા અને ફરિયાદીને માનસિક ત્રાસ અને હેરાનગતિ કરવા બદલ વળતર તરીકે 25,000 રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો છે. આ સમય પૂરો થયા બાદ દંડની રકમ સાથે વાર્ષિક 9 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે.