(Source: ECI/ABP News/ABP Majha)
પશ્ચિમ બંગાળના આ ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ પદ્મભૂષણ એવોર્ડ લેવાનો કરી દીધો ઈન્કાર, જાણો શું આપ્યું કારણ ?
પદ્મ એવોર્ડ સ્વીકારવાનો ઈન્કાર કરાયો તેને કેન્દ્ર સરકારના સૂત્ર રાજકીય સ્ટંટ ગણાવે છે.
કોલકાત્તાઃ કેન્દ્ર સરકારે મંગળવારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ યાદીમાં પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનો પણ સમાવેશ કરાયો હતો. ભટ્ટાચાર્યને સરકારે પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે પણ બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મભૂષણ લેવાનો ઈનકાર કરી દીધો છે.
બુધ્ધદેવે એક નિવેદનમાં કહ્યું કે, પોતે પદ્મભૂષણ પુરસ્કાર નહીં સ્વીકારે. તેમણે કહ્યું કે, હું પદ્મભૂષણ પુરસ્કાર અંગે કંઈ જ નથી જાણતો અને મને આ અંગે કોઈએ કંઈ જાણ કરી નથી. મને આ પુરસ્કાર અપાયો હશે તો હું તેને પાછો આપી દઈશ.
બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સીપીએમમાં નિર્ણયો લેવા માટેની સર્વોચ્ચ સંસ્થા પોલિટ બ્ચૂરોના સભ્ય છે. અત્યાર સુધી એક પણ ડાબેરી નેતાએ આ પ્રકારનો પુરસ્કાર લીધો નથી. પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુને પણ ભારતરત્ન આપવાની વાત થઈ હતી પરંતુ તેમને પણ ઈનકાર કરી દીધો હતો.
સીપીએમ દ્વારા ભટ્ટાચાર્યે પદ્મભૂષણ એવોર્ડ લેવાનો ઈન્કાર કર્યો તેની સરાહના કરાઈ છે. સીપીએમ સમાજ સેવા માટે કામ કરે છે, એવોર્ડ્સ માટે નહીં એવી ટીપ્પણી સીપીએમ દ્વારા કરાઈ છે. આ પહેલાં પણ સીપીએમના કોઈ નેતાએ પદ્મ સહિતના કોઈ પણ એવોર્ડ સ્વીકાર્યા નથી અને ભટ્ટાચાર્યે એ પરંપરા નિભાવી હોવાનો સીપીએમનો દાવો છે.
બુદ્ધદેવ ભટ્ટાચાર્ય દ્વારા પદ્મ એવોર્ડ સ્વીકારવાનો ઈન્કાર કરાયો તેને કેન્દ્ર સરકારના સૂત્ર રાજકીય સ્ટંટ ગણાવે છે. ન્યૂઝ એજન્સી એનએનઆઈના અહેવાલ પ્રમાણે, સરકારનાં સૂત્રોએ કહ્યું કે, ગૃહ સચિવ અજય ભલલ્એ સવારે તેમના પરિવારને ફોન કરીને પદ્મભૂષણ આપવાની જાણકારી આપી હતી. તેમનાં પત્નીએ ભલ્લા સાથે વાત કરી હતી પણ એ વખતે તેમણે એવોર્ડ નહીં સ્વીકારવાનું કહ્યું નહોતું.
પશ્ચિમ બંગાળમાંથી બુદ્ધદેવ ભટ્ટાચાર્યને પદ્મભૂષણ, અભિનેતા વિક્ટર બેનર્જીને પણ પદ્મભૂષણ જ્યારે પ્રહલાદ રાય અગ્રવાલ, સંઘમિત્રા બંદોપાધ્યાય, કાઝી સિંહ, કલિપદા સોરેનને પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવ્યા છે.