'પાકિસ્તાનના 4 ટૂકડા થશે તે નક્કી, PoK પર દાવો કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ નથી', જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ DGPનું મોટું નિવેદન
Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી એસપી વૈદ્યએ કહ્યું કે પાકિસ્તાનમાં ઇમરાન ખાન જેવા નેતાને જેલમાં ધકેલી દેવાને કારણે, ત્યાંના લોકો સેનાની તાનાશાહીથી કંટાળી ગયા છે.

Jammu Kashmir Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે. આ અંગે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી એસપી વૈદ્ય તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે પીઓકે પર દાવો કરવા માટે આજથી સારો સમય બીજો કોઈ ન હોઈ શકે.
એસપી વૈદ્યએ કહ્યું કે પીઓકે પાછું લેવા માટે આપણી સંસદમાં પણ એક ઠરાવ છે. આજે પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ જે રીતે છે, તે સ્પષ્ટ છે કે પાકિસ્તાનનું વિભાજન નિશ્ચિત છે. પાકિસ્તાની સેનાની હાલત એટલી ખરાબ છે કે તેઓ બલુચિસ્તાનમાં પ્રવેશ પણ કરી શકતા નથી. તેમણે વધુમાં કહ્યું કે ખૈબર પખ્તુનખ્વા (KPK) ના લગભગ 60 ટકા વિસ્તારમાંથી પોલીસ અને સેના ભાગી ગઈ છે, પાકિસ્તાન પોતે આ પરિસ્થિતિ સ્વીકારી રહ્યું છે.
'ત્યાંના લોકો સરમુખત્યારશાહીથી કંટાળી ગયા છે'
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપીએ જણાવ્યું કે સિંધે બલૂચ લિબરેશન આર્મી (BLA) સાથે જોડાણ કર્યું છે. ભારત સાથે યુદ્ધ થતાં જ આ ત્રણેય ટુકડાઓ સ્વતંત્રતા જાહેર કરશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ત્યાંના લોકો આ પ્રકારની સરમુખત્યારશાહીથી કંટાળી ગયા છે.
'પાકિસ્તાન 4 ભાગમાં વહેંચાઈ જશે'
એસપી વૈદ્યે જણાવ્યું કે પાકિસ્તાનનો એક પણ આર્મી ચીફ પાકિસ્તાનમાં રહેતો નથી. તેમને પાકિસ્તાન પ્રત્યે કોઈ વફાદારી નથી. પાકિસ્તાનમાં એક પત્ર ફરતો થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અમે તમારી લડાઈ કેમ લડીએ. આવી સ્થિતિમાં, પાકિસ્તાન ચાર ભાગમાં વહેંચાઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે જે રીતે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર બોલી રહ્યા છે અને ત્યાંના વડાપ્રધાન સાંભળી રહ્યા છે. એ સ્પષ્ટ છે કે પીએમ પાસે ત્યાં કોઈ સત્તા નથી. તેમણે વધુમાં કહ્યું કે એવું કહેવાય છે કે દેશમાં સેના હોય છે, પરંતુ પાકિસ્તાનને તો સેના જ ચલાવે છે. તેમણે વધુમાં કહ્યું કે જે દિવસે પાકિસ્તાનમાં હુમલો થશે, ત્યાંના લોકો ભારતીય સેનાનું સ્વાગત કરશે. પાકિસ્તાની આર્મી ચીફ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળ્યા નથી, તેઓ ખૂબ ડરી ગયા છે. નોંધનિય છે કે, બલુચિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તાજેેતરમાં તો ત્યાં એક ટ્રેન પણ હાઈજેક કરી લેવામાં આવી હતી.





















