આજથી સંસદનું ચોમાસું સત્ર, સત્ર તોફાની બનવાના એંધાણ, વિપક્ષે સરકારને ઘેરવાની બનાવી રણનીતિ
વિપક્ષ પેટ્રોલ ડીઝલમાં ભાવવધારા, કોરોના મહામારીની બીજી લહેરમાં સરકારની કામગીરી, રસીકરણની કામગીરી સહિતના મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે.
કોવિડના ગાઈડલાઈન સાથે આજથી સંસદના ચોમાસું સત્રનો પ્રારંભ થશે. આ ચોમાસુ સત્ર 20 દિવસ ચાલશે અને 13 ઓગસ્ટે પૂરું થશે. સંસદીય સત્રના પહેલા દિવસે પ્રધાનમંત્રી મંત્રીમંડળમાં સમાવેશ કરાયેલા નવા મંત્રીઓની ગૃહ સમક્ષ માહિતી આપશે. થોડા દિવસ પહેલા જ કેંદ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. આ મંત્રીમંડળમાં 15 કેબિનેટ અને 28 રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં ગુજરાતના પાંચ મંત્રીઓએ શપથ લીધા હતા.
ચોમાસું સત્રમાં સરકારે કેટલાક મહત્વના બિલ પસાર કરાવવાની તૈયારી કરી છે. જો કે આજથી શરૂ થઈ રહેલું સત્ર તોફાની બની રહેવાની સંભાવના છે. 31 બિલ પાસ કરવાની સરકારની તૈયારી છે. જો કે વિપક્ષ પેટ્રોલ ડીઝલમાં ભાવવધારા, કોરોના મહામારીની બીજી લહેરમાં સરકારની કામગીરી, રસીકરણની કામગીરી સહિતના મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે.
ચોમાસુ સત્રમાં કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરાશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે.સરકારી આંકડા મુજબ લોકસભામાંથી ૪૪૪ સભ્યો અને રાજ્યસભાના ૨૧૮ સભ્યોએ કોરોનાની રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લઈ લીધો છે.
વિપક્ષે પણ ચોમાસુ સત્ર માટેની તૈયારી કરી લીધી છે. વડાપ્રધાનના અધ્યક્ષપદે સર્વપક્ષીય બેઠક પછી વિપક્ષના નેતાઓની પણ અલગથી એક બેઠક યોજાઈ હતી. વિપક્ષની બેઠકમાં મોંઘવારી, પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં વધારો, ખેડૂત આંદોલન અને કોરોના મહામારીની બીજી લહેરમાં સરકારના મીસ મેનેજમેન્ટ જેવા મુદ્દાઓને જોરશોરથી ઊઠાવવાનો નિર્ણય લેવાયો છે.
વિપક્ષે ખાસ કરીને કોંગ્રેસ ભારત અને ફ્રાન્સ વચ્ચે રફાલ સોદા અંગે ફ્રાન્સમાં શરૃ થયેલી તપાસનો મુદ્દો પણ ઊછાળશે. ઉપરાંત વિપક્ષ સરકાર પર વિવિધ બિલને ઉતાવળે પસાર કરાવવાના બદલે તેને સંસદની સ્થાયી સમિતિ સમક્ષ મોકલવા માટે દબાણ કરશે.
નવા કૃષિ કાયદા મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોએ પણ સંસદના સત્ર દરમિયાન સંસદ બહાર દેખાવો કરવાનો નિર્ણય કર્યો છે. પરિણામે સોમવારથી આ સત્ર તોફાની બની રહેવાની શક્યતા છે. ચોમાસુ સત્ર દરમિયાન કોરોના સંબંધિત પ્રોટોકોલ્સનું સંપૂર્ણ પાલન કરાશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે.