PM Modi UNSC: UNSC માં પ્રથમ વખત PM મોદીએ કરી અધ્યક્ષતા, દરિયાઈ સુરક્ષા માટે આપ્યા આ 5 સિદ્ધાંત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. પરિષદની આ પ્રકારની બેઠકની અધ્યક્ષતા કરનારા પીએમ મોદી ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હતા.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. પરિષદની આ પ્રકારની બેઠકની અધ્યક્ષતા કરનારા પીએમ મોદી ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હતા. આ બેઠકમાં સમુદ્રી અપરાધ અને અસુરક્ષાને પહોંચી વળવાની રણનીતિ પર વાત કરી. પીએમ મોદીએ સાંજે 5.30 વાગે ખુલ્લી ચર્ચાની શરૂઆત કરી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, કે સમુદ્ર આપણી સંયુક્ત ધરોહર છે. આપણા સમુદ્રી રસ્તા ઈન્ટરનેશનલ ટ્રેડની લાઈફ લાઈન છે અને સૌથી મોટી વાત એ છે કે સમુદ્ર આપણા પ્લેન્ટના ભવિષ્ય માટે ખુબ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી મોદીએ આગળ જણાવ્યું કે, આપણે દરિયાઈ વેપારમાં બેરિયર્સ હટાવવા પડશે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આ ચર્ચામાં પાંચ મૂળ સિદ્ધાંત રજુ કર્યા હતા. તેમણે કહ્યું કે પહેલો સિદ્ધાંત એ કે આપણે મેરીટાઈમ ટ્રેડમાંથી બેરિયર હટાવવા જોઈએ. આપણા બધાની સમૃદ્ધિ દરિયાઈ વેપારના સક્રિય ફ્લો પર નિર્ભર છે. જેમાં આવેલી અડચણો સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પડકાર સાબિત થઈ શકે છે.
પીએમ મોદીએ બીજો સિદ્ધાંત એ જણાવ્યો કે દરિયાઈ વિવાદોનું સમાધાન શાંતિપૂર્ણ અને આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે જ થવું જોઈએ. પરસ્પર ટ્રસ્ટ અને વિશ્વાસ માટે તે ખુબ જરૂરી છે. આ માધ્યમથી આપણે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકીએ છીએ.
પીએમ મોદીએ આ ચર્ચામાં ત્રીજો સિદ્ધાંત એ જણાવ્યો કે આપણે કુદરતી આફતો અને non-state actors દ્વારા પેદા કરાયેલા દરિયાઈ જોખમોનો મળીને સામનો કરવો જોઈએ. આ વિષય પર ક્ષેત્રીય સહયોગ વધારવા માટે ભારતે અનેક પગલાં લીધા છે. સાયક્લોન, સુનામી, અને પ્રદૂષણ સંબંધિત દરિયાઈ આફતોમાં અમે ફર્સ્ટ રિસ્પોન્ડર રહ્યા છીએ.
ચોથો સિદ્ધાંત જણાવતા પીએમ મોદીએ કહ્યું કે આપણે દરિયાઈ વાતાવરણ અને દરિયાઈ સંસાધનને જાળવીને રાખવા જોઈએ. આપણે જાણીએ છીએ કે દરિયાની આપણા જળવાયુ પર સીધી અસર થાય છે. આથી આપણે આપણા દરિયાઈ વાતાવરણને પ્લાસ્ટિક અને ઓઈલ લિકેજ જેવા પ્રદૂષણથી દૂર રાખવા જોઈએ.
પીએમ મોદીએ પાંચમા સિદ્ધાંત વિશે કહ્યું કે આપણે એક જવાબદાર સમુદ્રી કનેક્ટિવિટી સંપર્કને પ્રોત્સાહન આપવું જોઈએ. એ તો સ્પષ્ટ છે કે સમુદ્રી વેપારને વધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ખુબ જરૂરી છે. પરંતુ આવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના ડેવલપમેન્ટમાં દેશની ફિસ્કલ સસ્ટેનેબિલિટી અને એબ્ઝોર્બશન કેપેસિટીને ધ્યાનમાં રાખવી પડશે.