(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi Kanpur Visit: PM Modi એ કાનપુરમાં મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે કાનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે 11 હજાર કરોડના મેટ્રો પ્રોજેક્ટના નવા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે કાનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે 11 હજાર કરોડના મેટ્રો પ્રોજેક્ટના નવા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું અને પછી કાનપુર મેટ્રોની સવારી પણ કરી. આ દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. આ પહેલા વડાપ્રધાને કાનપુર IIT-કાનપુરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટ પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. પછી તેઓ કાનપુર મેટ્રોના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાને ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય શહેરી અને આવાસ પ્રધાન હરદીપ સિંહ પુરી સાથે IIT મેટ્રો સ્ટેશનથી બેસીને મુસાફરી કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાને અહીં અનેક યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યુ હતું.
કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનો સમગ્ર 9 કિમી લાંબો વિસ્તાર આઈઆઈટી કાનપુરથી મોતી ઝિલ સુધી છે. જો કે, કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટની લંબાઈ 32 કિમી છે અને તે 11,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહયો છે. કાનપુર મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ 9 કિલોમીટર લાંબી લાઇન નાખવામાં આવી છે. જેમાં 9 મેટ્રો સ્ટેશન છે. તેમાં IIT કાનપુર, CSJM યુનિવર્સિટી રાવતપુર રેલવે સ્ટેશન, કલ્યાણપુર રેલવે સ્ટેશન, ગુરુદેવ સ્ક્વેર, લાલા લજપત રાય હોસ્પિટલ, SPM હોસ્પિટલ, ગીતા નગર, મોતી તળાવનો સમાવેશ થાય છે. કાનપુરમાં 2 વર્ષથી ઓછા સમયમાં મેટ્રોનો ટ્રાયલ રન શરૂ થઈ ગયો છે.
સરકારના નિવેદન અનુસાર, મેટ્રો પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે અને તેમાં બે કોરિડોર હશે. કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના 32.6 કિમી લાંબા બંને કોરિડોરમાં કુલ 30 મેટ્રો સ્ટેશન હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મેટ્રોમાં એક સમયે 974 મુસાફરો મુસાફરી કરી શકશે અને ટ્રેનની ઝડપ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ મુજબ, પ્રથમ કોરિડોરની લંબાઈ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) કાનપુરથી નૌબસ્તા સુધી 24 કિમી હશે.