PMO Officer : 'નટવરલાલ' કિરણ પટેલની પત્નીએ આપ્યો વિચિત્ર તર્ક, કહ્યું -"તે તો...
કિરણ તેની પત્ની સાથે અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહે છે. મામલાની ગંભીરતા જોતા અને માહિતી મળતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATSએ પણ તપાસ શરૂ કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં પીએમઓના ટોચના અધિકારી તરીકે ઓળખ આપીને સુરક્ષાનો ભંગ કરનાર ગુજરાતી વ્યક્તિ કિરણભાઈ પટેલના કેસમાં તેમની પત્નીની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે કહ્યું છે કે, તેનો પતિ એન્જિનિયર છે અને વિકાસના કામ માટે જમ્મુ-કાશ્મીર ગયો હતો. પતિ પર વિશ્વાસ વ્યક્ત કરતાં તેણે કહ્યું હતું કે, તે ક્યારેય કંઈ ખોટું કરી શકે નહીં.
કિરણભાઈના પત્ની માલિની પટેલ કહે છે કે, મારા પતિ એન્જિનિયર છે અને હું ડૉક્ટર છું. તેઓ કંઈ ખોટું કરી શકતા નથી. મારા પતિ વિકાસના કામ માટે ત્યાં ગયા હતા. આ સિવાય તેમનો કોઈ જ હેતુ નહોતો. તેમણે કંઈ ખોટું કર્યું નથી. ત્યાંના અમારા વકીલ છે જેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. મને ખાતરી છે કે તેઓ ક્યારેય કોઈની સાથે ખોટું નહીં કરે."
પરિવારે વ્યક્ત કરી રાજકીય ષડયંત્રની આશંકા
આ કેસમાં કિરણના વકીલ રેહાન ગોહરનું કહેવું છે કે, તેમના ક્લાયન્ટે કહ્યું છે કે, તેમની સાથે અન્ય એક વ્યક્તિ પણ હતી. પોલીસે મેજિસ્ટ્રેટની સામે નિવેદન નોંધ્યું હતું અને તે વ્યક્તિને પોલીસે છોડી દીધો હતો. કિરણના પરિવારે જણાવ્યું છે કે, અગાઉ એકવાર જ્યારે તે (કિરણ) કાશ્મીર ગયો હતો ત્યારે સરકાર દ્વારા યોગ્ય દસ્તાવેજો કરવામાં આવ્યા હતા. જેમાં રાજકીય ષડયંત્ર દેખાઈ રહ્યું છે. જ્યારે કિરણના નિવેદન મુજબ, તેના પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. મામલાની તપાસ ચાલી રહી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ શરૂ કરી તપાસ
ઉલ્લેખનીય છે કે, કિરણ તેની પત્ની સાથે અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહે છે. મામલાની ગંભીરતા જોતા અને માહિતી મળતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATSએ પણ તપાસ શરૂ કરી છે. પોલીસ કિરણના ગુનાહિત રેકોર્ડની તપાસ કરી રહી છે અને ગુજરાતમાં તેના કનેક્શન્સ શોધી રહી છે.
જમ્મુ-કાશ્મીરના રાજકીય ગલિયારાઓમાં મચી ગયો હંગામો
બીજી તરફ આ મામલે જમ્મુ-કાશ્મીરમાં હોબાળો ચાલી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા બાદ હવે ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા કવિંદર ગુપ્તાએ આ મામલે સ્થાનિક પ્રશાસન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, વહીવટીતંત્ર દ્વારા આ એક મોટી ભૂલ છે. બની શકે કે તે (કિરણ) દુશ્મન દેશ માટે કામ કરી રહ્યો હોય.
તેમણે કિરણ પટેલને સુવિધાઓ અને સુરક્ષા આપનારા અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે. ગુપ્તાએ પણ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની ફારુક અબ્દુલ્લાની માંગને સમર્થન આપ્યું છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે. જમ્મુ-કાશ્મીર એક સંવેદનશીલ વિસ્તાર છે. આવી ભૂલ કેવી રીતે થઈ શકે? એલજી પ્રશાસન માટે આ ખૂબ જ શરમજનક બાબત છે. તેઓએ કિરણ પટેલને સુવિધાઓ આપતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી જોઈતી હતી.
આ સાથે અબ્દુલ્લાએ દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે, આ મામલામાં ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપવો જોઈએ અને જવાબદારી નક્કી કરવી જોઈએ. આ સિવાય કોન્મેનને સુરક્ષા કવચ અને અન્ય સુવિધાઓ આપનાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.
CID વિંગે 2 માર્ચે પોલીસને કરી હતી જાણ
નોંધપાત્ર વાત એ છે કે, 2 માર્ચે જમ્મુ-કાશ્મીર પોલીસની CID વિંગે પોલીસને એક શંકાસ્પદ વ્યક્તિ વિશે માહિતી આપી હતી. તેના પર એસએસપી શ્રીનગરે તેને પકડવા માટે એસપી ઈસ્ટર્નના નેતૃત્વમાં એક ટીમ બનાવી હતી. બીજા દિવસે એટલે કે 3 માર્ચે પોલીસે કિરણભાઈ પટેલને પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન પોલીસને તેની ગતિવિધિઓ અને વાતો શંકાસ્પદ જણાયા હતા. આ અંગે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
પોલીસનો આરોપ છે કે, કિરણભાઈ પટેલ પોતાને પીએમઓમાં એડિશનલ ડાયરેક્ટર કહે છે. એટલું જ નહીં, તેણે કેન્દ્રશાસિત પ્રદેશમાં ટોચના અધિકારીઓ સાથે ઘણી બેઠકો પણ કરી છે. તે ગયા વર્ષે ઓક્ટોબરથી કાશ્મીર ખીણની પણ મુલાકાતે હતો. ધરપકડ થઈ તે પહેલા તે નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ઉરીમાં કમાન્ડ પોસ્ટ થઈને શ્રીનગરના લાલ ચોક સુધી પહોંચ્યો હતો.