Poonch : સેના આકરા પાણીએ, ઉતાર્યા 2000 ઘાતક કમાંન્ડો, મોટી નવા-જુનીના એંધાણ!
હુમલાને લઈને ગુપ્તચર એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું છે કે, સેનાની ટ્રક કરવામાં આવેલા હુમલામાં 7 આતંકવાદીઓ સામેલ હતા.
Army Search operation : જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ગુરુવારે આતંકવાદીઓએ ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાન શહીદ થયા હતા. ભારતીય સેના આ હુમલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે, જેના કારણે રાજોરી-પૂંચમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં જ આ હુમલામાં સામેલ આતંકવાદીઓ વિરૂદ્ધ મોટી અને આકરી કાર્યવાહી કરવામાં આવે તો નવાઈ નહીં. આ માટે સેનાએ ડ્રોન-હેલિકોપ્ટર બાદ હવે ઘાતક મનાતા એક સાથે 2000 કમાંડો મેદાને ઉતાર્યા છે.
હુમલાને લઈને ગુપ્તચર એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું છે કે, સેનાની ટ્રક કરવામાં આવેલા હુમલામાં 7 આતંકવાદીઓ સામેલ હતા. આ ઉપરાંત રાજોરી-પૂંચના ગ્રાઉન્ડ વર્કર્સ (આતંકવાદીઓના મદદગારો)એ તેમની મદદ કરી હતી. જેના કારણે ત્યાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં 2000 કમાન્ડો પણ તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ સ્નીફર ડોગ્સ અને ડ્રોનની મદદથી જંગલોમાં કોમ્બિંગ કરી રહ્યા છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે, આતંકવાદીઓએ સેનાની ટ્રકને ઘેરી લીધી હતી અને 36 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઉપરાંત ઘટનાસ્થળેથી ગ્રેનેડની બે પિન પણ મળી આવી હતી, જેથી તેનો ઉપયોગ પણ થયો હોવાનું સ્પષ્ટ થયું છે. વાહનની અંદર જ્વલનશીલ સામગ્રી રાખવામાં આવી હોવાથી ગ્રેનેડ વિસ્ફોટ થયા બાદ આર્મી ટ્રકમાં આગ લાગી હતી.
ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓનો પણ સમાવેશ
કહેવામાં આવી રહ્યું છે કે, હુમલામાં સામેલ ત્રણ આતંકીઓ પાકિસ્તાનના છે. આ તમામને શોધવા માટે એલઓસીની આસપાસના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ રોકાયેલ છે. તેમાં પણ 2000 જેટલા કમાંડોને મેદાને ઉતારાતા આ મામલે સેના કઈ હદે આકરા પાણીએ છે તેનો અંદાજ લગાવી શકાય છે. આ આતંકીઓને લઈને શૂટ એટ સાઈટ એટલે કે દેખો ત્યાં ઠારના આદેશ આપવામાં આવ્યા છે.
PAFF એ જવાબદારી લીધી
જો કે આ હુમલાની જવાબદારી પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF) દ્વારા લેવામાં આવી છે, પરંતુ એવું માનવામાં આવે છે કે આ કામ તેના એકલાના હાથમાં નથી. જેમાં લશ્કર અને જૈશના આતંકવાદીઓએ પણ મદદ કરી હતી. PAFFને જૈશનું પ્રોક્સી સંગઠન માનવામાં આવે છે.
સ્ટીકી બોમ્બનો ઉપયોગ તપાસમાં સામે આવ્યું છે ક, આ હુમલામાં લાકડી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ક્યાંથી મળ્યો તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની સેનાના નિષ્ણાતોએ આતંકીઓને વીડિયો કોલ દ્વારા તેને બનાવવાની તાલીમ આપી હતી.