પુષ્કરસિંહ ધામી હશે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી, તીરથ સિંહ રાવતે કરી નામની જાહેરાત
ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામીના નામની જાહેરાત કરવામાં આવી છે. તેઓ ઉત્તરાખંડની ખાટીમા બેઠક પરથી ધારાસભ્ય છે.

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામીના નામની જાહેરાત કરવામાં આવી છે. તેઓ ઉત્તરાખંડની ખાટીમા બેઠક પરથી ધારાસભ્ય છે. ઉલ્લેખનીય છે કે કાલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદ પરથી તીરથ સિંહ રાવતે રાજીનામું આપ્યું હતું.
પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના આગામી મુખ્યમંત્રી હશે. ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય કર્યો છે. દેહરાદૂનમાં થયેલી ધારાસભ્ય દળની બેઠકમાં ધામીના નામ પર મહોર લગાવવામાં આવી છે.
પુષ્કર સિંહ ધામી એક યુવા નેતા છે અને હાલમાં તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. ધામી ખટીમા વિધાનસભા બેઠક પરથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે. જણાવી દઈએ કે ધામીને ભગત સિંહ કોશ્યારીના નજીકના માનવામાં આવે છે.
છેલ્લા એક સપ્તાહથી અનુમાન લગાવાઈ રહ્યું હતું કે ઉત્તરાખંડમાં ફરી એકવાર મુખ્યમંત્રીનો ચહેરો બદલાશે. તીરથ સિંહ રાવતના રાજીનામા પાછળનું કારણ બંધારણીય મજબૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ હજી રાજ્યના કોઈપણ ગૃહના સભ્ય નહોતા.
ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપ્યા પછી તીરથ સિંહ રાવતે 10 માર્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રીપદની શપથ લીધા હતા. હવે બંધારણ મુજબ પૌડી ગઢવાલથી ભાજપના સાંસદ તીરથને 6 મહિનાની અંદર વિધાનસભાની પેટા-ચૂંટણી જીતવી પડે એમ હતું, તો જ તેઓ મુખ્યમંત્રી રહી શક્યા હોત, એટલે કે 10 સપ્ટેમ્બર પહેલાં તેમને ધારાસભ્યની ચૂંટણી જીતવાની હતી.
તાજેતરમાં કોરોના સંકટ વચ્ચે દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજવા બદલ ચૂંટણી પંચની ખુબ ટીકા થઈ હતી. મદ્રાસ હાઈકોર્ટે તો ચૂંટણી પંચને બીજી લહેર માટે જવાબદાર ગણીને ઓફિસરો પર હત્યાનો ચાર્જ લગાવવા સુદ્ધાની વાત કરી હતી. આવામાં જ્યારે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ જણાવવામાં આવી રહ્યું છે તો ચૂંટણી પંચ પેટાચૂંટણીનું જોખમ ઉઠાવે તેવું લાગતું નથી. દેશમાં લગભગ બે ડઝન વિધાનસભા બેઠકો અને કેટલીક સંસદીય સીટો પર ચૂંટણી મહામારીના કારણે પેન્ડિંગ છે.





















