(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Gandhi : 2013ની એ ઘટના ના ઘટી હોત તો કદાચ આજે રાહુલ બચી ગયા હોત
કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીને સુરત મેજિસ્ટ્રેટ કોર્ટે ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી.
Rahul Gandhi Disqualified As MP: કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીને સુરત મેજિસ્ટ્રેટ કોર્ટે ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. કોર્ટના આ આદેશના એક જ દિવસ બાદ આજે શુક્રવારે લોકસભા સચિવાલયે તેમની સદસ્યતા રદ કરવાની સૂચના જારી કરી હતી. પરંતુ રાહુલ ગાંધી વિરૂદ્ધ આ કાર્યવાહીનો અજીબ જોગાનુજોગ સામે આવ્યો છે.
રસપ્રદ વાત એ છે કે, દસ વર્ષ પહેલા રાહુલ ગાંધીએ પોતાની જ સરકારના એક વટહુકમની નકલ ફાડી નાખ્યો હતો. જો તે વટહુકમ અમલમાં આવ્યો હોત તો આજે રાહુલ ગાંધીએ તેમનું સાંસદ પદ ગુમાવ્યુ ન હોત.
શું છે મામલો?
2013માં સુપ્રીમ કોર્ટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8(4)ને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય લીલી થોમસ વિ યુનિયન ઓફ ઈન્ડિયા તરીકે જાણીતો હતો. કેરળના વકીલ લીલી થોમસે પીપલ રિપ્રેઝન્ટેશન એક્ટની કલમ 8(4) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં આ જોગવાઈ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. તેની તરફેણમાં દલીલ કરવામાં આવી હતી કે, ઉચ્ચ અદાલતમાંથી નિર્ણય ન આવે ત્યાં સુધી આ કલમ દોષિત સાંસદો અને ધારાસભ્યોના સભ્યપદને સુરક્ષિત કરે છે.
ત્યાર બાદ વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની તત્કાલીન યુપીએ સરકારે આ નિર્ણયને રદ કરવા માટે વટહુકમ લાવ્યો હતો. આ વટહુકમમાં હાલમાં સાંસદો અને ધારાસભ્યોને અપરાધિક મામલામાં સજા સંભળાવ્યા બાદ અયોગ્યતાથી રાહત આપવામાં આવી હતી.
શું હતું વટહુકમમાં?
બે વર્ષ કે તેથી વધુ સજા થાય તો સાંસદ કે ધારાસભ્યનું સભ્યપદ રદ કરવાની જોગવાઈ છે. 2013માં લાવવામાં આવેલા આ વટહુકમમાં સજા બાદ 3 મહિના સુધી તેમાંથી રાહત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. વટહુકમમાં કહેવામાં આવ્યું હતું કે, દોષિત વર્તમાન સાંસદ/ધારાસભ્યને 3 મહિના માટે અયોગ્ય ઠેરવી શકાય નહીં. આ સાથે જો વર્તમાન સાંસદ/ધારાસભ્ય આ ત્રણ મહિનાની અંદર દોષિત ઠેરવ્યાની તારીખથી ત્રણ મહિનાની અંદર અપીલ ફાઇલ કરે છે તો અપીલનો નિર્ણય ન આવે ત્યાં સુધી તેને ગેરલાયક ઠેરવી શકાશે નહીં.
રાહુલ ગાંધીએ ફાડી નાખી હતી કોપી
મનમોહન સિંહની આગેવાની હેઠળની કેબિનેટ દ્વારા વટહુકમ પસાર કરવામાં આવ્યો હતો અને મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો હતો. ત્યાર બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં સૌકૌઈની હાજરીમાં જ આ વટહુકમની કોપી ફાડી નાખ્યો હતો. તેમણે વટહુકમને સંપૂર્ણ બકવાસ ગણાવ્યો હતો. બાદમાં કેબિનેટે આ વટહુકમ પાછો ખેંચી લીધો હતો. જોકે રાહુલ ગાંધી દ્વારા આ રીતે વટહુકમ ફાડી નાખવાની ઘટનાની આજ દિન સુધી ભારે ટીકા થતી રહે છે.
આજે સમયચક્ર ફર્યું છે. જો રાહુલ ગાંધીએ વર્ષ 1013માં તેમની યુપીએ-2ના કાર્યકાળમાં આ અધ્યાદેશ ફાડ્યો ના હોતો તો તેમને આજે સાંસદ સભ્ય તરીકેનું પદ ગુમાવવાનો વાર્યો ના આવ્યો હોત.
ધર્મેન્દ્ર પ્રધાને કર્યો વળતો પ્રહાર
આ વટહુકમનો ઉલ્લેખ કરીને ભાજપના નેતા ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, આજે સાહિબજાદે (રાહુલ ગાંધી)ના સાથીદારો છાતી પીટી રહ્યા છે. આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે તેમની સરકારમાં વટહુકમના આધારે લેવામાં આવ્યો છે. આજે જ્યારે તેમની સદસ્યતા જતી રહી છે ત્યારે તેમની જ પાર્ટીના લોકો હોબાળો કરી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ખાસ કરીને રાહુલનો પરિવાર તેમના માટે અલગ આઈપીસી ઈચ્છે છે, જેમાં તેમને સજા જ ન થાય. તેઓ તેના માટે અલગ ન્યાયતંત્ર ઈચ્છે છે. જો કે, તેઓ હજી સુધી સમજી શક્યા નથી કે, લોકશાહીમાં કાયદો બધા માટે એક જ સમાન છે. ભારતના કાયદા પ્રમાણે જો કોઈને બે વર્ષની સજા થાય તો સભ્યપદ જતું રહે છે.