Election Result 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિની પ્રચંડ જીત, ઝારખંડમાં હેમંત સોરેનનો જાદુ ચાલ્યો, જાણો પરિણામ
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિની પ્રચંડ બહુમત સાથે જીત થઈ છે.
Asembly election results 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિની પ્રચંડ બહુમત સાથે જીત થઈ છે. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન 233 બેઠકો પર આગળ છે. જ્યારે ઝારખંડમાં હેમંત સોરેનનો જાદુ ચાલ્યો છે. હેમંત સોરેનની પાર્ટી જેએમએમ 34, કૉંગ્રેસ 16 અને આરજેડી 4 બેઠકો પર આગળ છે.
મહારાષ્ટ્ર વિઘાનસભા ચૂંટણી પરિણામ
ભારતીય જનતા પાર્ટીએ અહીં 48 બેઠકો પર જીત મેળવી છે જ્યારે 84 બેઠકો પર આગળ છે. જ્યારે શિવસેના શિંદે જૂથે 22 બેઠકો પર જીત મેળવી છે અને 34 બેઠકો પર આગળ છે. જ્યારે અજીત પવારની એનસીપીએ 23 બેઠકો પર જીત મેળવી છે અને 18 બેઠકો પર આગળ છે.મહાયુતિ 233 બેઠકો પર આગળ છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો છે. અહીં બહુમતી માટે 145 બેઠકો જરુરી છે.
વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 105 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો હતો, જ્યારે શિવસેના અને એનસીપીને અનુક્રમે 56 અને 54 બેઠકો તથા કૉંગ્રેસને 44 બેઠકો મળી હતી.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ
ઝારખંડમાં હેમંત સોરેનની પાર્ટીએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. જેએમએમ પાર્ટીએ 17 બેઠકો પર જીત મેળવી છે અને 17 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે કૉંગ્રેસે 7 બેઠકો પર જીત મેળવી છે અને 9 બેઠકો પર આગળ ચાલી રહી છે. રાષ્ટ્રીય જનતા દળે 1 બેઠક પર જીત મેળવી છે અને 3 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.
ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો માટેની ચૂંટણી બે તબક્કામાં અનુક્રમે 13મી અને 20મી નવેમ્બરે યોજાઈ હતી. ભાજપે રાજ્યની મોટાભાગની બેઠકો પરથી ચૂંટણી લડી અને 10 બેઠકો તેના સાથીપક્ષ ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનને ફાળવી હતી. જ્યારે ઇન્ડિયા ગઠબંધનના સભ્ય પક્ષો જેએમએમ અને કૉંગ્રેસ ઝારખંડમાં ચૂંટણી લડી રહ્યા છે.
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો અણધાર્યા રહ્યા છે. ચૂંટણી પંચની સાઈટ પર ઉપલબ્ધ વલણો અનુસાર મહાયુતિ બહુમતી તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.
દેશના 13 રાજ્યોની 46 વિધાનસભા બેઠક, મહારાષ્ટ્રના નાંદેડ અને કેરળની વાયનાડ લોકસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પણ મતગણતરી કરવામાં આવી હતી. વાયનાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી મેદાનમાં હતા. અહીં પ્રિયંકા ગાંધી વાડ્રાની 4 લાખથી વધુ મતથી જીત થઈ છે.