RSS on BJP: 'પહેલા કરી ભગવાન રામની ભક્તિ, પછી આવ્યો અહંકાર, એટલા માટે...', RSS નેતા ઇન્દ્રેશ કુમારનું નિવેદન
RSS on BJP: ઈન્દ્રેશ કુમારે કોઈનું નામ લીધું ન હતું. પરંતુ કહ્યું કે ચૂંટણી પરિણામો તેમના વલણને દર્શાવે છે. તેમનામાં અહંકાર આવી ગયો હતો
RSS Attacks BJP Over LS Result: આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ઈન્દ્રેશ કુમારે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે પાર્ટી અહંકારી થઈ ગઇ છે, તેથી ભગવાન રામે તેમને 241 પર રોક્યા. મોહન ભાગવત પછી આરએસએસમાં બીજા નંબર નેતા ગણાતા ઈન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોતા પહોંચ્યા હતા. તેમણે અહીં આયોજિત 'રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહ'માં આ વાત કહી હતી.
ઈન્દ્રેશ કુમારે કોઈનું નામ લીધું ન હતું. પરંતુ કહ્યું કે ચૂંટણી પરિણામો તેમના વલણને દર્શાવે છે. તેમનામાં અહંકાર આવી ગયો હતો. તેમનો ઇશારો ભાજપ તરફ હતો. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ પહેલા ભક્તિ કરી અને ત્યારબાદ અહંકારી બની ગઇ. ભગવાન રામે તેમને 241 પર રોકી દીધા પરંતુ તેમને સૌથી મોટો પક્ષ બનાવ્યો હતો. એક તરફ તેમણે એમ પણ કહ્યું કે જે લોકોને ભગવાન રામમાં આસ્થા નથી તેમને 234 પર જ રોકી દીધા એટલે કે ઈન્ડિયા ગઠબંધન.
અહંકારના કારણે ભગવાન રામે રોકી દીધાઃ ઇન્દ્રેશ કુમાર
ઇન્દ્રેશ કુમારે કહ્યું હતું કે લોકશાહીમાં રામરાજ્યનું બંધારણ જુઓ, તેમણે ભગવાન રામની ભક્તિ તો કરી પરંતુ ધીરે ધીરે અહંકારી થઇ ગયા. સૌથી મોટી પાર્ટી પણ બન્યા પરંતુ જે વોટ મળવા જોઈતા હતા તે તેમના અહંકારના કારણે ભગવાન રામે રોકી દીધા હતા. તેમણે એમ પણ કહ્યું કે રામનો વિરોધ કરનારાઓને સત્તા મળી શકી નથી. આ બધા મળીને બીજા નંબરે રહ્યા.
ભગવાન રામ ભેદભાવ કરતા નથી - ઇન્દ્રેશ કુમાર
ઇન્દ્રેશ કુમારે કહ્યું કે ભગવાનનો ન્યાય સાચો અને આનંદદાયક હોય છે. જે લોકો તેમની પૂજા કરે છે તેમણે વિનમ્ર હોવું જોઇએ અને જે લોકો વિરોધ કરે છે ભગવાન પોતે તેમનો ઉકેલ લાવી દે છે. તેમણે કહ્યું કે ભગવાન રામ ભેદભાવ કે સજા કરતા નથી. રામ કોઈને વિલાપ કરાવતા નથી. રામ દરેકને ન્યાય આપે છે. તેઓ આપે છે અને આપતા રહેશે. ભગવાન રામ ન્યાયપ્રીય હતા અને હંમેશા રહેશે. એક તરફ તેમણે લોકોની રક્ષા કરી તો બીજી તરફ રાવણનું પણ ભલું કર્યું હતું.