સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સારા સમાચાર, આ રસીને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી, જાણો વિગતો
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,68,912 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 904 લોકોના મોત થયા છે. જોકે 75,086 લોકો ઠીક પણ થયા છે.
નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે રશિયાની સ્પુતનિક v વેક્સીનને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. સીડીએસસીઓ વિશેષજ્ઞ સમિતિએ વેક્સીનને મંજૂરી આપી છે. હવે ભારતમાં ડીસીજીઆઈની ઔપચારિક મંજૂરીની જરુર રહેશે.
જો સૂત્રોનું માનીએ તો સ્પુતનિક દ્વારા ટ્રાયલનો ડેટા રજૂ કરવામાં આવ્યો છે, જેના આધારે આ મંજૂરી મેળવવામાં આવી છે. જો કે, સરકાર દ્વારા આજ સાંજ સુધી પરિસ્થિતિ સ્પષ્ટ કરી શકાય છે.
દેશમાં અત્યારે બે કોરોના વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારત બાયોટેકની કોવેક્સિન અને ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ રસી 45 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, યુપી સહિત ઘણાં રાજ્યોમાં વેક્સિનની અછત નોંધવામાં આવી છે. મહારાષ્ટ્ર, ઓરિસ્સામાં તો હજારો સેન્ટર્સ પર વેકસિનેશન રોકી દેવામાં આવ્યું છે. આ સંજોગોમાં સતત માંગણી થઈ રહી છે કે, અન્ય વેક્સિનને મંજૂરી આપવામાં આવે.
દેશમાં કોરોના વાયરસે (Coronavirus) ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. કોરોના રસીકરણ (Corona Vaccine) ઝડપથી થઈ રહ્યું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,68,912 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 904 લોકોના મોત થયા છે. જોકે 75,086 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 35 લાખ 27 હજાર 717
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 21 લાખ 56 હજાર 529
કુલ એક્ટિવ કેસ - 12 લાખ 01 હજાર 009
કુલ મોત - એક લાખ 70 હજાર 179
10 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 10 કરોડ 45 લાખ 28 હજાર 565 ડોઝ આપવામાં આવ્યા છે.