રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનાર ભારતીય વિદ્યાર્થીના મૃતદેહ અંગે તેના પિતાએ કરી મોટી જાહેરાત
યુક્રેનમાં રશિયાએ શરુ કરેલા યુદ્ધમાં જીવ ગુમાવનાર ભારતીય વિદ્યાર્થી નવીન શેખરઅપ્પાનો મૃતદેહ 21 માર્ચના રોજ સવારે 3 વાગ્યે બેંગ્લોર એરપોર્ટ પર આવશે.
Russia-Ukraine Conflict: યુક્રેનમાં રશિયાએ શરુ કરેલા યુદ્ધમાં જીવ ગુમાવનાર ભારતીય વિદ્યાર્થી નવીન શેખરઅપ્પાનો મૃતદેહ 21 માર્ચના રોજ સવારે 3 વાગ્યે બેંગ્લોર એરપોર્ટ પર આવશે. આ અંગે મીડિયા સાથે વાતચીતમાં નવીનના પિતા શંકરઅપ્પાએ જણાવ્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે મારા પુત્રનો મૃતદેહ મેડિકલ અભ્યાસ માટે દાન કરીશું.
મોતના 20 દિવસ બાદ પાર્થિવ દેહ વતનમાં પહોંચશેઃ
યુક્રેનના ખારકીવમાં રશિયાએ કરેલા હુમલામાં 1 માર્ચના રોજ નવીનનું મૃત્યુ થયું હતું. મોતના 20 દિવસ બાદ 21 માર્ચે નવીનનો મૃતદેહ બેંગ્લોર આવશે ત્યાર બાદ નવીનના મૃતદેહને તેના ગામમાં લઈ જવામાં આવશે. અહીં નવીનના પાર્થિવ દેહની પરંપરાગત વિધી અનુસાર પૂજા વિધી કરીને તેના પાર્થિવ દેહનો મેડિકલ અભ્યાસ માટે એસએસ હોસ્પિટલ દાવણગેરેને દાન કરવામાં આવશે.
નવીન મેડિકલ ક્ષેત્રે સિદ્ધી મેળવવા માંગતો હતોઃ
નવીનના પિતા શંકરઅપ્પાએ આ વિશે વાત કરતાં કહ્યું કે, મારો પુત્ર મેડિકલ ક્ષેત્રે કંઈક સિદ્ધી મેળવવા માંગતો હતો પણ તે ના થઈ શક્યું. કમસે કમ મારા પુત્રનો મૃતદેહ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તો ઉપયોગી થશે. તેના માટે અમે નક્કી કર્યું છે કે, અમે અમારા પુત્રના મૃતદેહને મેડિકલ રિસર્ચ માટે દાન કરીશું.
આ પહેલા શુક્રવારે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે, નવીનનો મૃતદેહ સોમવારે (21 માર્ચ) બેંગલુરુ એરપોર્ટ પર આવશે. ન્યૂઝ એજન્સી આઈએએનએસએ સાથે વાતચીતમાં નવીનના પિતાને કહ્યું હતું કે, "હવે, એ જાણ્યા પછી ઉદાસી દૂર થઈ ગઈ છે કે અમે છેલ્લી વખત તેના શરીરને જોઈ શકીશું." નવીનના માતા-પિતાએ તેમના પુત્રના મૃતદેહને પરત લાવવા બદલ અધિકારીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તેમને હવે થોડી રાહત મળશે.
આ પણ વાંચોઃ
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આ ઈસ્લામિક દેશમાં ભૂખમરાના ભણકારા, ભારત પાસે માગી મદદ