UP: PM મોદીએ કહ્યુ- 100 કરોડ રૂપિયાની યોજના 10 હજાર કરોડ રૂપિયામાં પુરી થઇ, વિપક્ષ પર સાધ્યું નિશાન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું આજે દેશના એ વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું જેમનું આઠ ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે.
PM Narendra Modi in UP: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં 9800 કરોડ રૂપિયાનો ખર્ચે તૈયાર સરયૂ નહેર રાષ્ટ્રીય યોજનાનું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું આજે દેશના એ વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું જેમનું આઠ ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે. ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતજીનું જવું તમામ ભારતપ્રેમી, તમામ રાષ્ટ્રભક્ત માટે ખૂબ મોટું નુકસાન છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશની નદીઓનું પાણીનો યોગ્ય ઉપયોગ થાય. ખેડૂતોના ખેતર સુધી પુરતુ પાણી પહોંચે. આ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સરયૂ નહેર રાષ્ટ્રીય યોજનાનું કામ પુરુ થવું એ વાતની સાબિતી છે કે જ્યારે વિચાર ઇમાનદાર હોય છે તો કામ પણ સારુ હોય છે. આજથી લગભગ 50 વર્ષ અગાઉ સરયૂ નહેર રાષ્ટ્રીય યોના પર કાર્ય શરૂ થયું હતું. ત્યારે આ યોજનાનો ખર્ચ 100 કરોડ રૂપિયાથી ઓછો હતો. આજે આ લગભગ 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા બાદ યોજના પૂર્ણ થઇ છે.
અગાઉની સમાજવાદી પાર્ટી સરકારનું નામ લીધા વિના વડાપ્રધાન મોદીએ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે હું સવારે દિલ્હીથી નીકળ્યો ત્યારે રાહ જોઇ રહ્યો હતો કે ક્યારે કોઇ આવશે અને કહેશે કે આ યોજના અમે શરૂ કરી હતી. કેટલાક લોકો છે તેમની આદત આમ કહેવાની. બની શકે છે કે તેમણે બાળપણમાં આ યોજનાની રિબન કાપી હોય. કેટલાક લોકોની પ્રાથમિકતા રિબન કાપવાની છે પરંતુ અમારી પ્રાથમિકતા યોજનાઓને સમયસર પૂર્ણ કરવાની છે.
સરયૂ નહેર રાષ્ટ્રીય યોજનાથી 14 લાખ હેક્ટરથી વધુ જમીનમાં સિંચાઇનું પાણી મળશે. આ યોજનાથી લગભગ 29 લાખ ખેડૂતોને લાભ થશે. આ યોજનાનો કુલ ખર્ચ 9800 કરોડથી વધુ છે જેમાંથી 4600 કરોડ રૂપિયાથી વધુની ફાળવણી છેલ્લા ચાર વર્ષોમાં કરવામાં આવી છે. આ યોજનામાં પાંચ નદીઓ ઘાઘરા, સરયૂ, રાપ્તી, બાણગંગા અને રોહિણીને પરસ્પર જોડવાની યોજના બનાવવામાં આવી છે