Supreme Court : સિનેમા હોલમાં હવે પૈસા આપી નહીં ખરીદવું પડે પીવાનું પાણી, સુપ્રીમે આપી રાહત
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે કહ્યું હતું કે, સિનેમા હોલના માલિકો દર્શકોને પોતાનું ખાવાનું અને પીણું લઈ જવાથી રોકી શકે છે પરંતુ...
Supreme Court Of India : થિયેટરમાં ફિલ્મ જોવા જનારાઓ માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે દર્શકોને થિયેટરોની અંદર મફત શુદ્ધ પાણી આપવાનું આદેશ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે માતા-પિતાની સાથે નાના બાળક અથવા નવજાત શિશુને અંદર લઈ જવાની વાજબી માત્રામાં ખોરાક લેવાની છૂટ હોવી જોઈએ.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે કહ્યું હતું કે, સિનેમા હોલના માલિકો દર્શકોને પોતાનું ખાવાનું અને પીણું લઈ જવાથી રોકી શકે છે પરંતુ તેમને સિનેમા હોલની અંદર શુધ્ધ પાણી મફતમાં મળવું જોઈએ.
આ અરજી જમ્મુ-કાશ્મીરના થિયેટર માલિકોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે રાજ્યમાં મલ્ટીપ્લેક્સ/સિનેમહોલને આદેશ આપ્યો હતો કે સિનેમા જોનારાઓને પોતાનું ભોજન અને પાણી અંદર લઈ જવા દેવામાં આવે. આ નિર્ણય સામે સિનેમહોલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
સિનેમહોલ વતી વરિષ્ઠ વકીલ કે. વી.વિશ્વનાથન હાજર રહ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે સિનેમા હોલ ખાનગી મિલકત હોવાથી તેઓ ત્યાં પ્રવેશનો અધિકાર અનામત રાખી શકે છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે, આવા નિયંત્રણો સુરક્ષાને મજબૂત બનાવે છે અને આવી વ્યવસ્થા એરપોર્ટ પર પણ જોવા મળે જ છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર સિનેમા (રેગ્યુલેશન) નિયમ, 1975માં ક્યાંય ઉલ્લેખ નથી કે સિનેમા જોનારા સિનેમા હોલમાં ભોજન સાથે લઈને જઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, સિનેમા હોલમાં જવા માટે કોઈને દબાણ કરી શકાય નહીં કે ત્યાં જતી વખતે ખાવાનું ખરીદવાની કોઈ જબરદસ્તી નથી.
આ દલીલો પર ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે, સિનેમા હોલની મિલકત ખાનગી મિલકત છે. તેના માલિકને નિયમો અને કાયદા બનાવવાનો અધિકાર છે. તેઓ એવી શરતો મૂકી શકે છે જે સામાન્ય લોકોના હિતમાં હોય કે ન પણ હોય. હાઈકોર્ટે આ નિર્ણય આપીને તેની હદ વટાવી છે. આનાથી સિનેમા હોલ માલિકોના અધિકારોનું ઉલ્લંઘન થશે.
જો કે, ચીફ જસ્ટિસે સિનેમા હોલને સિનેમા જોનારાઓને મફતમાં શુદ્ધ પાણી આપવાનું પણ કહ્યું હતું. સાથે જ માતા-પિતા સાથે આવતા નાના બાળકો માટે પણ વાજબી માત્રામાં ખોરાકની મંજૂરી આપવાનું કહ્યું છે.