(Source: ECI/ABP News/ABP Majha)
સાવધાન! એશિયા સુધી પહોંચ્યો મંકીપોક્સનો પ્રથમ કેસ, આ દેશોમાં ફેલાઈ રહ્યો છે; ભારત માટે કેટલું મોટું જોખમ
Monkeypox virus: WHOએ મંકીપોક્સને સૌથી ખતરનાક રોગોની યાદીમાં સામેલ કર્યો છે, આ વાયરસ 17 દેશોમાં ફેલાયો છે. આ રોગ ખાસ કરીને નાની ઉંમરના બાળકો અને યુવાનોને તેની ચપેટમાં લઈ રહ્યો છે.
Monkeypox Virus Infection: તાજેતરમાં વિશ્વના વિવિધ દેશોમાં જોવા મળેલા મંકીપોક્સના કેસોએ ઘણા દેશોની સરકારો અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ચિંતા વધારી દીધી છે. WHO મંકીપોક્સના જોખમોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક આરોગ્ય કટોકટી પણ જાહેર કરી ચૂક્યું છે. આ દરમિયાન થાઈલેન્ડે ગુરુવારે (22 ઓગસ્ટ) એશિયામાં એમપોક્સના નવા અને ઘાતક સ્ટ્રેનના કેસની પુષ્ટિ કરી હતી, જે એક દર્દી હતો અને આફ્રિકાથી આવ્યો હતો.
આફ્રિકામાં એમપોક્સના કેસો અને મૃત્યુ વધી રહ્યા છે, જ્યાં જુલાઈથી કોંગો લોકશાહી ગણરાજ્ય, બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડામાં તેના ફેલાવાના સમાચાર આવ્યા છે. જ્યારે, (21 ઓગસ્ટ)ના રોજ કોંગોમાં મંકીપોક્સના 1000 કેસ સામે આવ્યા હતા. આ રોગ ચેપગ્રસ્ત પ્રાણીઓના વાયરસને કારણે થાય છે. આ બીમારીમાં દર્દીને તાવ, સ્નાયુઓમાં દુખાવો અને ત્વચા પર મોટા ફોલ્લા જેવા ઘા થવા લાગે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, બાળકોને તેનું જોખમ વધારે હોય છે.
WHOએ જાહેર કરી ઈમરજન્સી
આ મામલામાં મલેશિયાની મોનાશ યુનિવર્સિટીના પ્રોફેસર વિનોદ આરએમટી બાલસુબ્રમણ્યમનું કહેવું છે કે ક્યારેક માનવામાં આવતું હતું કે મંકીપોક્સનો રોગ મુખ્યત્વે આફ્રિકા સુધી જ મર્યાદિત છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સ્વીડન, પાકિસ્તાન અને ફિલિપાઈન્સમાં પણ મંકીપોક્સના કેસો સામે આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે એમપોક્સના કેસોમાં તાજેતરના વધારાને કારણે તેને આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય અને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવી જોઈએ.
આફ્રિકા બહાર મળ્યા નવા એમપોક્સ સ્ટ્રેન વેરિયન્ટ
WHOના જણાવ્યા અનુસાર, એમપોક્સના વાયરસનો ઝડપથી ફેલાવો થઈ રહ્યો છે અને આરોગ્ય પર તેની ગંભીર અસર પડવાની આશંકા છે. છેલ્લી વખત આવું જુલાઈ 2022માં થયું હતું. આવી સ્થિતિમાં ચિંતાની વાત એ છે કે ટેસ્ટથી જાણવા મળ્યું છે કે સ્વીડનમાં મળેલો કેસ વાયરસના વધુ ઘાતક ક્લેડ 1બી સબટાઈપનો ચેપ છે. આ પહેલી વખત છે જ્યારે આફ્રિકા બહાર તેનો વેરિયન્ટ મળ્યો છે.
જાણો શું છે મંકીપોક્સ?
ખરેખર, એમપોક્સ એક ચેપી રોગ છે જે મંકીપોક્સ વાયરસથી થાય છે. તે ઓર્થોપોક્સવાયરસ વાયરસ જૂથ સાથે સંબંધિત છે. આ વાયરસના પરિવારમાં વેરિઓલા વાયરસ પણ સામેલ છે, જે શીતળાનું કારણ બને છે. માનવોમાં એમપોક્સનો પ્રથમ નોંધાયેલો કેસ 1970માં કોંગો લોકશાહી ગણરાજ્યમાં સામે આવ્યો હતો. ત્યારથી, એમપોક્સને બે જૂથમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં ક્લેડ 1, જેને પહેલા મધ્ય આફ્રિકન સબટાઈપ તરીકે ઓળખવામાં આવતો હતો, જે વધુ ઘાતક છે. જ્યારે, બીજાને ક્લેડ 2 તરીકે ઓળખવામાં આવે છે.
મંકીપોક્સનો શિકાર બનેલા પ્રાણી કે વ્યક્તિના શરીરમાંથી નીકળેલા ચેપગ્રસ્ત પ્રવાહીના સંપર્કમાં આવવાથી આ રોગ એકબીજામાં ફેલાય છે. સરળ શબ્દોમાં કહીએ તો મંકીપોક્સ ચેપી રોગ છે. મંકીપોક્સથી પીડિત વ્યક્તિની આસપાસ રાખેલી વસ્તુઓને સ્પર્શ કરવાથી અથવા તેના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ રોગમાં વાંદરાઓમાં શીતળા જેવા રોગના લક્ષણો દેખાયા હતા. હાલમાં મંકીપોક્સ જેવો ગંભીર રોગ હવે માનવોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
જાણો એમપોક્સના લક્ષણો અને બચાવના ઉપાયો?
મંકીપોક્સના કેસ ભારતની સાથે સાથે ઘણા દેશોમાં પણ જોવા મળી રહ્યા છે. મંકીપોક્સ થવા પર તેના લક્ષણો 6થી 13 દિવસ અથવા ક્યારેક 5થી 21 દિવસ પણ જોવા મળી શકે છે. સામાન્ય રીતે મંકીપોક્સથી સંક્રમિત થયા પછી પાંચ દિવસની અંદર તાવ, તીવ્ર માથાનો દુખાવો અને શરીરમાં સોજો વગેરે જેવા લક્ષણો દેખાવા લાગે છે. એટલું જ નહીં મંકીપોક્સ શરૂઆતમાં ચિકનપોક્સ, ઓરી અથવા શીતળા જેવું દેખાય છે. જોકે તાવ આવ્યા પછી એક અથવા ત્રણ દિવસ બાદ જ ત્વચા પર તેની અસર દેખાય છે.
જ્યાં આખા શરીર પર દાણા નીકળી જાય છે. ખાસ કરીને હાથ-પગ, હથેળી, પગના તળિયા અને ચહેરા પર નાના-નાના દાણા નીકળી જાય છે. આવી સ્થિતિમાં જો, મંકીપોક્સથી બચવું હોય તો સૌ પ્રથમ વાંદરા અને અન્ય પ્રાણીઓના સંપર્કમાં આવવાનું બંધ કરી દો. આ ઉપરાંત તમારા ઘરની સફાઈ કરો. જો તમને તમારી આસપાસ કોઈપણ વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો દેખાય તો તરત જ ચિકિત્સકોની સલાહ લો.
ભારત માટે કેટલું વધ્યું છે મંકીપોક્સનું જોખમ?
2022થી અત્યાર સુધીમાં ભારતમાં મંકીપોક્સના કુલ 30 કેસ સામે આવ્યા છે. છેલ્લો કેસ માર્ચ 2024માં સામે આવ્યો હતો. ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ જુલાઈ 2022માં સામે આવ્યો હતો. WHOના જણાવ્યા મુજબ, 2022થી અત્યાર સુધીમાં વિશ્વભરના 116 દેશોમાં મંકીપોક્સના 99,176 કેસ સામે આવી ચૂક્યા છે અને 208 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે, નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે, પરંતુ હજુ પણ મોટા પ્રકોપની સંભાવના ઓછી છે.
આવી સ્થિતિમાં કેન્દ્રની મોદી સરકારે મંકીપોક્સને રોકવા માટે ઘણા પગલાં લેવાની જરૂર છે, જેમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ, સંક્રમિત લોકોને અલગ રાખવા અને લોકોને જાગૃત કરવા સામેલ છે. જ્યારે, સમયસર સારવાર અને નિયમિત નિરીક્ષણથી મોટી મહામારીના જોખમને ઘટાડી શકાય છે. જોકે, તેના ફેલાવાને રોકવા માટે આરોગ્ય પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે, જેમાં આઇસોલેશન, સ્વચ્છતા અને સમયસર સારવાર સામેલ છે.