આંદામાનમાં ચક્રવાત 'આસની'ની અસર શરૂ, NDRFની ટીમો ખડેપગે, શાળા કોલેજોમાં રજા જાહેર
ચક્રવાત 'આસની'ના પ્રભાવ હેઠળ રવિવારે વરસાદ અને ભારે પવનને કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. અધિકારીએ જણાવ્યું કે વાવાઝોડું ઝડપથી ટાપુઓ તરફ આગળ વધી રહ્યું છે
ચક્રવાત 'આસની'ના પ્રભાવ હેઠળ રવિવારે વરસાદ અને ભારે પવનને કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષના પ્રથમ ચક્રવાતી વાવાઝોડું ઝડપથી ટાપુઓ તરફ આગળ વધી રહ્યું છે જેને લઈને આંતર-દ્વીપ શિપિંગ સેવાઓ ઉપરાંત, ચેન્નાઈ અને વિસાપટ્ટનમ સહિતના અન્ય વિસ્તારોમાં જહાજ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા કહેવામાં આવ્યું છે. સમુદ્રમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર,સાવચેતીના ભાગ રૂપે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના લગભગ 150 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને છ રાહત શિબિરો પણ સ્થાપિત કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી પંકજ કુમારે જણાવ્યું હતું કે, હું લોકોને ગભરાશો નહીં તેવી અપીલ કરું છું કારણ કે વહીવટીતંત્ર તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લઈ રહ્યું છે.
Depression over southeast Bay of Bengal, about 200km north-northeast of Car Nicobar (Nicobar Islands), 100 km south-southeast of Port Blair (Andaman Islands), to intensify into a deep depression in the next 12hrs and into a cyclonic storm in next 12hrs: India Meteorological Dept pic.twitter.com/eTaM9gNL0B
— ANI (@ANI) March 20, 2022
તેમણે કહ્યું કે પોર્ટ બ્લેરમાં કુલ 68 NDRFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે 25-25 જવાનોને ડિગલીપુર, રંગત અને હટબે વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે પોર્ટ બ્લેરની સાથે ઉત્તર અને મધ્ય અને દક્ષિણ આંદામાન જિલ્લામાં ભારે વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય આંદામાનના જિલ્લા ડેપ્યુટી કમિશનર અંજલિ સેહરાવતે જણાવ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને NDRFના જવાનો દ્વારા સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.
IMD એ જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું દબાણ આજે ભારતીય સમય અનુસાર સવારે 8.30 વાગ્યે નિકોબાર દ્વીપ સમુહથી લગભગ 110 કિમી ઉત્તર અને ઉત્તર-પશ્ચિમમાં કેન્દ્રિત હતું. ભારતીય સમય અનુસાર બીજા દિવસે સવારે 5.30 વાગ્યે લઘુત્તમ દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે.
હવામાનશાસ્ત્રીઓના મતે ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ પણ આગળ વધે તેવી શક્યતા રહેલી છે. ડિરેક્ટોરેટ ઑફ શિપિંગ સર્વિસે 22 માર્ચ સુધી તમામ આંતર-ટાપુ સેવાઓને રદ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત વિશાખાપટ્ટનમથી એમવી કેમ્પબેલ જહાજ અને ચેન્નાઈ જતા એમવી સિંધુની યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી છે. ચક્રવાતી તોફાનના કારણે આ વિસ્તારની તમામ શાળાઓ અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે.