Punjab Swearing Ceremony :પંજાબમાં ચરણજીત સિંહ ચન્ની સરકારનું કેબિનેટ વિસ્તરણ, મંત્રીઓએ લીધા શપથ
પંજાબમાં નવા પ્રધાનોનો શપથગ્રહણ સમારોહ આજે 15 મંત્રીઓ શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, ચરણજીત સિંહ ચન્નીએ 20 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
પંજાબમાં નવા પ્રધાનોનો શપથગ્રહણ સમારોહ શરૂ થયો છે. આજે 15 મંત્રીઓ શપથ લીધા હતા. અગાઉ, નવા મંત્રીમંડળમાં સમાવિષ્ટ થનારા મંત્રીઓની અંતિમ યાદી તૈયાર કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની(Charanjit Singh Channi)એ શનિવારે બપોરે 12.30 વાગ્યે રાજભવન ખાતે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચરણજીત સિંહ ચન્નીએ 20 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
આ ધારાસભ્યો બન્યા મંત્રી
બ્રહ્મ મોહિંદરા- અમરિંદર સિંહની સરકારમાં મંત્રી હતા. છ વખત ધારાસભ્ય રહ્યા છે. પટિયાલા ગ્રામ્ય બેઠક પરથી ધારાસભ્ય છે.
મનપ્રીત સિંહ બાદલ- અમરિંદર સિંહ સરકારમાં મંત્રી હતા. અકાળી દળમાં પણ રહી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ સફળતા નહોતી મળી.
તૃપ્ત રાજિંદર સિંહ બાજવા- બીજી વખત મંત્રી બની રહ્યા છે. કેપ્ટન સરકારમાં પણ મંત્રી રહ્યા છે. લાંબા સમયથી કૉંગ્રેસ સાથે જોડાયેલા છે. અમરિંદર સિંહ સામે મોરચો ખોલનારા નેતાઓમાં સામેલ હતા.
અરુણા ચૌધરી- દીનાનાગર બેઠકથી ધારાસભ્ય છે. પંજાબ કૉંગ્રેસના મહાસચિવ રહ્યા છે. અનુસૂચિત જાતિમાંથી આવે છે. કેપ્ટન સરકારમાં પણ કેબિનેટ મંત્રી રહ્યા છે. ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે.
સુખબિંદર સિંહ સરકારિયા - કેપ્ટન અમરિંદર સિંહની સરકારમાં મંત્રી હતા. એક સમયે તે કેપ્ટનની ખૂબ નજીક હતા. બાદમાં બંને વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી હતી.
રાણા ગુરજીત સિંહ- એક સમયે તેઓ કેપ્ટન અમરિંદર સિંહની ખૂબ નજીક હતા. પંજાબના મોટા ઉદ્યોગપતિ છે. તેમને 2017 માં મંત્રી બનાવવામાં આવ્યા હતા અને 2018 માં તેમને દૂર કરવામાં આવ્યા હતા. તેમને મંત્રી બનાવવાના નિર્ણય સામે આજે વિરોધ પણ થયો હતો.
રઝિયા સુલ્તાના - અમરિંદર સિંહની સરકારમાં મંત્રી પણ હતા. તે પંજાબ વક્ફ બોર્ડના પ્રમુખ રહી ચૂક્યા છે. કોંગ્રેસનો મુસ્લિમ મહિલા ચહેરો છે. પંજાબ કેબિનેટમાં માત્ર એક મુસ્લિમ નેતા છે.
વિજય ઇન્દર સિંગલા- કેપ્ટન અમરિંદર સિંહની ખૂબ નજીક હતા. હિન્દુ ચહેરો. પ્રથમ વખત ધારાસભ્ય. સંગરુરથી સાંસદ રહી ચૂક્યા છે.
ભારત ભૂષણ આશુ - અમરિંદર સિંહની સરકારમાં કેબિનેટ મંત્રી હતા. સંગઠનમાં સારી પકડ રાખે છે. તેઓ લુધિયાણા પશ્ચિમ બેઠક પરથી બે વખત ધારાસભ્ય છે.
રણદીપ સિંહ નાભા- પ્રથમ વખત મંત્રી બન્યા. ચાર વખત ધારાસભ્યની ચૂંટણી જીતી છે. તેઓ કેપ્ટન અમરિંદર સિંહ વિરુદ્ધ ઘણી વખત બોલ્યા છે. 'કાકા રણદીપ' તરીકે પ્રખ્યાત.
રાજકુમાર વેરકા- અમૃતસર પશ્ચિમના કોંગ્રેસના ધારાસભ્ય છે. પંજાબ કોંગ્રેસના પ્રવક્તા.
સંગત સિંહ ગિલઝિયાન - ત્રણ વખત ધારાસભ્ય છે. તેઓ વિધાનસભાની અનેક સમિતિઓના સભ્ય હતા. ઉદમુર બેઠકના ધારાસભ્ય. સંગત સિંહ ગિલજિયન અન્ય પછાત વર્ગમાંથી આવે છે અને હાલમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે.
પરગટ સિંહ- પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી છે અને તેઓ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના નજીકના માનવામાં આવે છે. બીજી વખત ધારાસભ્ય બન્યા. હોકી ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. પદ્મશ્રી અને અર્જુન પુરસ્કારથી સન્માનિત છે. તેઓ જલંધર કેન્ટ બેઠક પરથી ધારાસભ્ય છે.
અમરિન્દર સિંહ રાજા વડિંગ-ગિદરબાહા બેઠક પરથી બે વખત ધારાસભ્ય છે. પંજાબની મુક્તસર બેઠક પરથી આવે છે. ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે.
ગુરકીરત સિંહ કોટલી- ગુરકીરત સિંહ કોટલી ખન્નાના ધારાસભ્ય છે અને પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર છે. બીજી વખત ધારાસભ્ય બન્યા છે. કોંગ્રેસના સચિવ રહી ચૂક્યા છે.
જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પક્ષના વરિષ્ઠ સભ્યો સાથેની બેઠક બાદ, ચન્નીની આગેવાની હેઠળના મંત્રીમંડળના નામો પર સહમતિ થઈ હતી. કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરવા માટે સીએમ ચન્નીને શુક્રવારે કોંગ્રેસ હાઇકમાન્ડે દિલ્હી બોલાવ્યા હતા.