News: આ મોટા શહેરમાં ડેન્ગ્યૂ બાદ ટાઇફૉઇડ ફાટી નીકળ્યો, ઘરે-ઘરે દર્દીઓના ખાટલાઓથી સરકાર ચિંતિત, જાહેર કરી એડવાઇઝરી
લોકોને સલાહ આપતા ડૉ.ચારુએ જણાવ્યું કે ચોમાસાની ઋતુમાં એવા કેટલાય બેક્ટેરિયા એક્ટિવ થઇ જાય છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્યને ખૂબ જ સરળતાથી અસર થઈ શકે છે.
Delhi News: દેશમાં સતત વરસી રહેલા વરસાદ અને પુરના કારણે ઠેર ઠેર રોગચાળાનો રાફડો ફાટી નીકળ્યો છે, દેશની રાજધાની દિલ્હીમાં પણ ઘરે ઘરે દર્દીઓના ખાટલા પથરાયા છે. હાલની સ્થિતિ પ્રમાણે, દિલ્હીમાં ડેન્ગ્યૂ, મેલેરિયા, ચિકનગુનિયા અને બીજા કેટલાક ચેપી રોગોને લઈને આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે.
જોકે, આ બધાની વચ્ચે હવે દિલ્હીમાં એક નવી બિમારી ટાઇફૉઇડે માજા મુકી છે. હાલમાં દિલ્હીના આરોગ્ય વિભાગ તરફથી એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવાયુ છે કે, યમુનાનું જળસ્તર વધ્યા બાદ અને પાણી ભરાયા બાદ દિલ્હીમાં ટાઈફોઈડના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સૌથી વધુ અસર યુવાનો અને બાળકો પર પડી રહી છે. ડોકટરોનું કહેવું છે કે ડેન્ગ્યૂ-મેલેરિયાની સાથે સાથે ટાઈફૉઈડ અંગે પણ સાવધાની રાખવાની જરૂર છે.
'બહારની ખાણી-પીણીથી રહો દુર'
એબીપી લાઈવ સાથેની વાતચીત દરમિયાન દિલ્હીની જાણીતી મણિપાલ હૉસ્પીટલના એચઓડી ડૉ.ચારુ ગોયલે કહ્યું, 'હૉસ્પીટલમાં આવતા ડેન્ગ્યૂ મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે, પરંતુ આ સમયે સૌથી વધુ ટાઈફૉઈડના દર્દીઓ આવી રહ્યા છે. બાળકો અને યુવાનોમાં તેમની સંખ્યા વધુ જોવા મળી રહી છે. દૂષિત પાણી અને બહારના ખોરાકને કારણે લોકો સરળતાથી ટાઈફોઈડનો શિકાર બની રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતો પણ દરેક દર્દીને તેમના આહારથી લઈને સ્વચ્છતા અને મચ્છરોથી બચાવવા માટે દરેક જરૂરી સલાહ આપી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં લોકોએ ડેન્ગ્યૂ મેલેરિયા તેમજ ટાઈફૉઈડથી સાવચેત રહેવાની જરૂર છે. એક અંદાજ મુજબ આ સમયે 20 થી 25 ટકા ટાઈફૉઈડના દર્દીઓ આવી રહ્યા છે.
'આ ઉપાય જરૂર કરો'
લોકોને સલાહ આપતા ડૉ.ચારુએ જણાવ્યું કે ચોમાસાની ઋતુમાં એવા કેટલાય બેક્ટેરિયા એક્ટિવ થઇ જાય છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્યને ખૂબ જ સરળતાથી અસર થઈ શકે છે. આવામાં આસપાસ સ્વચ્છતાની સાથે, તમારા ખોરાકને ખૂબ સંયમિત રાખવાની જરૂર છે. હાલમાં, વ્યક્તિએ ખાસ બહાર રાખેલો ખોરાક ના ખાવો જોઈએ, જો વિસ્તારમાં શુદ્ધ પાણીનો પુરવઠો ના હોય તો માત્ર ઉકાળેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે. વધુ તૈલી મસાલાથી બનેલો ખોરાક ના ખાવો, આ ઉપરાંત ડેન્ગ્યૂ મેલેરિયાથી બચવા ચિકનગુનિયા મચ્છર, મચ્છરદાની, આખું શરીર ઢાંકી દે તેવા કપડાં પહેરવા અને પાણી ભરાતા અટકાવવાના ઉપાયો અપનાવવા જોઈએ. તાવ, પેટમાં દુખાવો અને શરીરમાં કોઈપણ પ્રકારની સમસ્યા પર તરત જ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.