આ બેઠક પર માત્ર 32 મતે થઈ હાર-જીત, પૂર્વ કેંદ્રીય મંત્રીના દિકરાને મળી હાર
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેજેપીના દુષ્યંત ચૌટાલા જે 2019માં કિંગમેકર હતા તેમને ઉચાના કલાનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
Uchana Kalan Election Result 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેજેપીના દુષ્યંત ચૌટાલા જે 2019માં કિંગમેકર હતા તેમને ઉચાના કલાનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ પાંચમા ક્રમે રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જીત અને હારનો તફાવત માત્ર 32 મતનો હતો. અહીં ભાજપના દેવેન્દ્ર અત્રીની જીત થઈ હતી. તેમને 48968 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના બ્રિજેન્દ્ર સિંહને 48936 મત મળ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહના પુત્ર બ્રિજેન્દ્ર સિંહ લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.
અપક્ષ ઉમેદવાર વિરેન્દ્ર ઘોઘડિયા ત્રીજા ક્રમે રહ્યા હતા. તેમને 31456 મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર વિકાસને 13458 મત મળ્યા હતા. જ્યારે દુષ્યંત ચૌટાલાને 7950 મત મળ્યા હતા.
રાજ્યમાં કોને કેટલી બેઠકો મળે છે ?
સાંજના 4.30 વાગ્યા સુધીના આંકડા મુજબ ભાજપે 29 બેઠકો જીતી છે અને 20 બેઠકો પર આગળ છે. કોંગ્રેસે 27 બેઠકો જીતી છે અને 9 પર આગળ છે. INLD બે બેઠકો પર આગળ છે.
દેશના સૌથી ધનિક મહિલા ઉદ્યોગપતિ સાવિત્રી જિંદાલ સહિત ત્રણ અપક્ષો જીત્યા છે. સૌથી ખરાબ સ્થિતિ જનનાયક જનતા પાર્ટી (JJP)ની છે, જે પોતાનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળ રહી છે. તેમને 0.90 ટકા મત મળ્યા હતા. છેલ્લી ચૂંટણીમાં જેજેપીએ 10 બેઠકો જીતી હતી અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી.
છેલ્લી કેટલીક ચૂંટણીના પરિણામો
2019ની ચૂંટણીમાં આ સીટ પરથી દુષ્યંત ચૌટાલા જીત્યા હતા. તેમને 92,504 મત મળ્યા હતા. ત્યારબાદ ચૌટાલાએ ભાજપના ઉમેદવાર પ્રેમલતા સિંહને હરાવ્યા હતા. 2014ની ચૂંટણીમાં ભાજપના પ્રેમલતા સિંહે જીત મેળવી હતી. તેમણે દુષ્યંત ચૌટાલાને હરાવ્યા હતા. ઓમ પ્રકાશ ચૌટાલા 2009માં આ સીટ પરથી જીત્યા હતા. તેણે બિરેન્દ્ર સિંહને હરાવ્યા હતા. બિરેન્દ્ર સિંહ 2005માં આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો ખૂબ જ ચોંકાવનારા છે. આ ચૂંટણીમાં 90 બેઠકોમાંથી ભાજપ 49 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ પાછળ છે. તેઓ માત્ર 36 સીટો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે અન્ય 5 બેઠકો પર આગળ છે. જો કે અંતિમ પરિણામ આવ્યા બાદ આ આંકડો બદલાઈ શકે છે.
આ પરિણામો ચોંકાવનારા છે કારણ કે એક્ઝિટ પોલના પરિણામોમાં ભાજપ પાછળ જોવા મળ્યું હતું અને કોંગ્રેસ આગળ જોવા મળી હતી. પરંતુ આજે સવારે જ્યારે ચૂંટણીના પરિણામો સામે આવવા લાગ્યા ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. ભાજપે આશ્ચર્યજનક લીડ બનાવી અને હરિયાણામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી.
હરિયાણામાં કૉંગ્રેસ-ભાજપના વોટ શેર સમાન, તેમ છતાં બેઠકોમાં આટલું અંતર કેમ ?