UPમાં યોગી સરકારનાં મહિલા મંત્રી અને પતિના ઝગડામાં બંનેનાં પત્તાં કપાયાં ને કોણ ફાવી ગયું ?
સ્વાતિ અને દયાશંકરની લડાઈમાં ગયા સપ્તાહે સ્વાતિ સિંહની વાયરલ થયેલી ઓડિયો ક્લિપે ખળભળાટ મચાવ્યો હતો. યોગી સરકારમાં મંત્રી સ્વાતિ સિંહની કથિત ક્લિપમાં સ્વાતિ સિંહ એક વ્યક્તિ સાથે વાતચીત કરી રહી છે.
નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશમાં ભાજપે સરોજિની નગર બેઠક માટે સામસામે આવી ગયેલાં દંપતિ સ્વાતિ સિંહ અને દયા શંકર સિંહ બંનેનાં પત્તાં કાપી નાખ્યાં છે. યોગી આદિત્યનાથ સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્વાતિ સિંહ હાલમાં સરોજિની નગર બેઠકનાં ધારાસભ્ય છે. તેમના સ્થાને તેમના પતિ દયાશંકર સિંહ લડવા માગતા હતા. તેના કારણે બંને સામસામે આવી ગયાં હતાં. બેની લડાઈમાં ત્રીજો ફાવે એમ આ બંનેની લડાઈમાં રાજરાજેશ્વર સિંહ ફાવી ગયા છે. ભાજપે સ્વાતિ સિંહનું પત્તું કાપીને રાજરાજેશ્વર સિંહને ટિકિટ આપી દીધી છે.
સ્વાતિ અને દયાશંકરની લડાઈમાં ગયા સપ્તાહે સ્વાતિ સિંહની વાયરલ થયેલી ઓડિયો ક્લિપે ખળભળાટ મચાવ્યો હતો. યોગી સરકારમાં મંત્રી સ્વાતિ સિંહની આ કથિત ઓડિયો ક્લિપમાં સ્વાતિ સિંહ એક એવા વ્યક્તિ સાથે વાતચીત કરી રહી છે. આ વ્યક્તિ સ્વાતિ સામે તેમના પતિ અને ભાજપના નેતા દયાશંકર સિંહની ફરિયાદ કરી રહ્યો છે.
સ્વાતિ સિંહ ફરિયાદ કરનારને ઓડિયોમાં કહે છે કે, આખી દુનિયા જાણે છે કે, અમારો પતિ-પત્નીનો સબંધ કેવો છે. હું પોતે આ વસ્તુ એટલે કે મારપીટનો વિરોધ કરૂ છું પણ દયાશંકર સિંહ અને તેનો ભાઈ મારવા પીટવાની બધી હદો પાર કરી દે છે. સ્વાતિ એવું પણ કહે છે કે, આપણા વચ્ચે થયેલી વાતચીતની જાણ દયાશંકર સિંહને ના થવી જોઈએ નહીંતર ફરી માર મારશે. બંને મને ટોર્ચર કરે છે
સ્વાતિ સિંહ ફોન પર કહે છે કે, તમે મને દયાશંકર સામે થયેલા કેસના પેપર વગેરે બધુ આપી આપી દો પણ દયાશંકરજીને જાણ ન થવી જોઈએ કે, મારી તમારી સાથે વાત થઈ છે. કારણ કે, દયાશંકરજી અને ધર્મેન્દ્રજી બધા....શું બોલું, હું તો ભગવાનને કહું છું કે, મારી સાથે બહું ખોટું થયું છે, એવા વ્યક્તિ સાથે મારા લગ્ન થયા છે કે જેની ભરપાઈ તો હું કરી જ ના શકું. આ દયાશંકર સિંહ અને તેના ભાઈને ખબર ના પડવી જોઈએ.
સ્વાતિ સિંહ અને તેમના પતિ દયાશંકર સિંહ વચ્ચે લખનૌની સરોજિની નગર વિધાનસભા સીટ માટે જંગ થયો હતો. આ બેઠક પર 2017માં યોગી સરકારના મંત્રી સ્વાતિ સિંહ જીત્યાં હતાં અને ટિકિટના દાવેદાર હતાં, જ્યારે તેમના પતિ અને ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ દયાશંકર સિંહ પણ ટિકિટ માટે દાવો કરી રહ્યા હતા. લવ મેરેજ કરનાર દયાશંકર અને સ્વાતિના સબંધ લાંબા સમયથી ખરાબ છે. 2008માં સ્વાતિએ પતિ દયાશંકર સામે મારપીટની એફઆઈઆર પણ નોંધાવી હતી.