(Source: ECI/ABP News/ABP Majha)
UP Elections 2022: 1 ટકા વ્યાજે 5 લાખની લોન, જાણો કૉંગ્રેસના યૂથ મેનિફેસ્ટોની મોટી વાતો
કૉંગ્રેસે ઉત્તર પ્રદેશ ચૂંટણીને લઈને પોતાનો યૂથ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ તકે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. બંનેએ વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Congress Youth Menifesto:કૉંગ્રેસે ઉત્તર પ્રદેશ ચૂંટણીને લઈને પોતાનો યૂથ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ તકે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. બંનેએ વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશ અને યુપીની સમસ્યા ભારતના દરેક યુવકો જાણે છે.
યુપીના યુવાનોને નવા વિઝનની જરૂર છે - રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મેનિફેસ્ટો કોંગ્રેસનો અવાજ નથી, અમે યુપીના યુવાનો સાથે વાત કરીને તેમના મંતવ્યો સામેલ કર્યા છે. 16 લાખ યુવાનોએ રોજગાર ગુમાવ્યો છે. સત્ય દેશને દેખાઈ રહ્યું છે, આ બધું કેમ થઈ રહ્યું છે તે બધાને દેખાઈ રહ્યું છે, યુપીના યુવાનોને એક નવા વિઝનની જરૂર છે. અમે લોકોને જોડવાનું કામ કરી રહ્યા છીએ. અમે દેશ માટે લડી રહ્યા છીએ, તમે રાજ્ય માટે લડી રહ્યા છો.
તેમણે વધુમાં કહ્યું કે, રોજગાર અમે તમને કેવી રીતે અને ક્યા પ્રકારે અપાવીશું, આ બધું અમે આ મેનિફેસ્ટોમાં લખ્યું છે. આ મેનિફેસ્ટો તૈયાર કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ રાજ્યના યુવાનો સાથે વાત કરી છે અને અમે આ મેનિફેસ્ટોમાં તેમના મંતવ્યો મૂક્યા છે.
પરીક્ષા નિ:શુલ્ક રહેશે, પેપર લીક પર કડક કાર્યવાહી કરવામાં આવશે
આ તકે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમારા કાર્યકર્તાઓએ જિલ્લા-જિલ્લામાં યુવાનો સાથે વાત કરી છે. આગેવાનો અને કાર્યકરોએ યુવાનો સાથે ભરતીનો કાયદો બનાવવાની વાત કરી, યુવાનોની સમસ્યાઓ સમજાઈ. ભરતી કાયદાનો હેતુ એ છે કે યુપીમાં સૌથી મોટી સમસ્યા ભરતીની છે. યુપીમાં લોકો પરેશાન છે, તેમને રોજગાર નથી મળતો. અમે વચન આપીએ છીએ કે પેપર લીક અટકાવવામાં આવશે, જો પેપર લીક થશે તો સખત સજા થશે. પરીક્ષા માટે મુસાફરી પણ ફ્રી રહેશે. યુવાનોને નોકરી ન મળવાની ચિંતા છે. યુવાનોના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવામાં આવશે.
જોબ કેલેન્ડર બનાવવામાં આવશે
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 20 લાખ સરકારી નોકરીઓમાંથી 1.5 લાખ પ્રાથમિક શાળાઓમાં ખાલી છે, 38 હજાર માધ્યમિકમાં, 8 હજાર ઉચ્ચમાં, 6 હજાર ડોક્ટરોની, 1 લાખ પોલીસમાં પદ ખાલી છે. 20 હજાર આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી હેલ્પરની 27 હજાર જગ્યાઓ ખાલી છે, સંસ્કૃત વિદ્યાલયમાં 2 હજાર જગ્યાઓ ખાલી છે. આ માટે જોબ કેલેન્ડર બનાવવામાં આવશે. જેમાં પરીક્ષાની તારીખ, પરિણામની તારીખ અને નિમણૂકની તારીખ હશે. ઉલ્લંઘનના કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવશે.
પ્રિયંકાએ વધુમાં જણાવ્યું કે સિંગલ વિન્ડો સ્કોલરશિપ પોર્ટલ બનાવવામાં આવશે. સૌથી પછાત લોકોને 1% વ્યાજ પર 5 લાખ સુધીની લોન આપવામાં આવશે. દવાઓની સમસ્યા માટે કાઉન્સેલિંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે. યુથ ફેસ્ટિવલ, વર્લ્ડ ક્લાસ ક્રિકેટ એકેડમી અને અન્ય સ્પોર્ટ્સ એકેડમી ખોલવામાં આવશે.