(Source: ECI/ABP News/ABP Majha)
UP Election 2022: Akhilesh Yadav સામે કૉંગ્રેસ કોઈ ઉમેદવાર નહી ઉતારે, જાણો બીજા કોની સામે નહી આપે ટિકિટ
ઉત્તરપ્રદેશના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશની કરહાલ બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતારશે નહીં.
Uttar Pradesh Election 2022 News: ઉત્તરપ્રદેશના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશની કરહાલ બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતારશે નહીં. સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ મૈનપુરી જિલ્લાની આ કરહલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. મંગળવારે આ બેઠક માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો, પરંતુ કોંગ્રેસના ઉમેદવારે અહીંથી ઉમેદવારી નોંધાવી ન હતી.
કોંગ્રેસે આ બેઠક માટે ઉમેદવારની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. પાર્ટીએ અહીંથી જ્ઞાનવતી યાદવને ટિકિટ આપી હતી, પરંતુ હવે તેમની પાસેથી ટિકિટ પાછી ખેંચી લેવામાં આવી છે. આ સીટ પર ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે.
અખિલેશ યાદવ ઉપરાંત કોંગ્રેસે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના વડા શિવપાલ યાદવ સામે ઉમેદવાર નહીં ઉભા કરવાનો નિર્ણય લીધો છે. શિવપાલ યાદવ જસવંતનગર સીટ પર SP-PSP ગઠબંધનના ઉમેદવાર છે. કોંગ્રેસે આ જિલ્લાની ત્રણમાંથી બે વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારની વરણી કરી છે.
ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 10 ફેબ્રુઆરીએ, બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે ત્રીજા તબક્કામાં 23 ફેબ્રુઆરીએ મતદારો મતદાન કરશે. આ પછી 27 ફેબ્રુઆરીએ પાંચમા તબક્કા માટે, છઠ્ઠા તબક્કા માટે 3 માર્ચે અને સાતમા તબક્કા માટે 7 માર્ચે મતદાન થશે. યુપી સહિત તમામ રાજ્યોમાં 10 માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે.
લખનઉમાં કન્હૈયા કુમાર પર ફેંકાઈ સ્યાહી
લખનઉમાં કેટલાક લોકોએ કન્હૈયા કુમાર પર શાહી ફેંકી હતી. આ ઘટના કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાં બની હતી. કન્હૈયા કુમાર લખનઉ સેન્ટ્રલ સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર સદફ ઝફરના નોમિનેશનમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા ત્યારે તેમના પર સ્યાહી ફેંકવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે ફેંકવામાં આવેલી સ્યાહી નહીં પરંતુ એક પ્રકારનું એસિડ છે. જોકે, સદનસીબે કથિત રીતે એસીડ કન્હૈયા કુમાર પર પડ્યું ન હતું. સ્યાહી ફેંકવામાં આવી તે દરમિયાન કેટલાક ટીપાં નજીકમાં ઉભેલા 3-4 યુવકો પર પડ્યા હતા.
કોંગ્રેસે અભિનેત્રી, સામાજિક કાર્યકર સદફ ઝફરને લખનઉ સેન્ટ્રલ સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. સદફ ઝફર ઉત્તર પ્રદેશના લખનઉની છે. તે વ્યવસાયે શિક્ષક અને અભિનેત્રી રહી ચુકી છે. હાલમાં, તે સામાજિક કાર્યકરની ભૂમિકા ભજવીને કોંગ્રેસ સાથે સંકળાયેલી છે. નોંધનીય છે કે સદફ ઝફરે ફિલ્મ નિર્માતા મીરા નાયરની ફિલ્મ 'અ સ્યુટેબલ બોય'માં અભિનેત્રીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા. હાલમાં તે તેના બે બાળકો સાથે લખનઉમાં રહે છે.