Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Maharashtra Assembly Elections 2024:મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી પંચની ટીમ મુંબઈમાં છે
Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી પંચની ટીમ મુંબઈમાં છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને એસએસ સંધૂ સાથે ચૂંટણીની તૈયારીઓ અંગે ચૂંટણી અધિકારીઓ, પોલીસ અધિક્ષકો, કોર્પોરેશન કમિશનરો, વિભાગીય કમિશનરો અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, “મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા અમે રાજકીય પક્ષો અને અધિકારીઓ સહિત તમામ હિતધારકોને મળ્યા હતા. મને પૂરો વિશ્વાસ છે કે મહારાષ્ટ્ર લોકશાહીની ઉજવણીમાં યોગદાન આપશે.
લોકશાહીમાં દરેકની ભાગીદારી જરૂરી છે - CEC રાજીવ કુમાર
CEC રાજીવ કુમારે મુંબઈમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "લોકશાહીમાં દરેકની ભાગીદારી જરૂરી છે. મહારાષ્ટ્રમાં 1 લાખ 186 મતદાન મથકો છે. ત્યાં 42,558 શહેરી બૂથ અને 57,600 ગ્રામીણ બૂથ છે. અમે શહેરી વિસ્તારોમાં 100 ટકા બૂથ પર CCTV કવરેજ સુનિશ્ચિત કરી રહ્યા છીએ. અને ગ્રામીણ વિસ્તારોમાં પણ અમે 50 ટકાથી વધુ બૂથને સીસીટીવીથી આવરી લેવાનો પ્રયાસ કરીશું.
મહિલાઓ 388 બૂથનું સંચાલન કરશે - CEC
તેમણે વધુમાં કહ્યું કે, "350 બૂથનું સંચાલન યુવાનો કરશે, 299 બૂથનું સંચાલન દિવ્યાંગો કરશે અને 388 બૂથનું સંચાલન માત્ર મહિલાઓ કરશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે સોશિયલ મીડિયા પર ફેક સમાચારો ફેલાવવા દેવામાં આવશે નહીં. તેમણે અધિકારીઓને આ અંગે તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા.
પીટીઆઈના અહેવાલ મુજબ, સીઈસીએ તમામ મતદાન મથકો પર પાયાની સુવિધાઓની સમીક્ષા કરી અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને રાજ્યમાં મતદાનના દિવસે મતદારોની કતારોનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો હતો. તેમણે જિલ્લા ચૂંટણી અધિકારીઓને વ્યક્તિગત રીતે મતદાન મથકોની મુલાકાત લેવા અને તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરવા નિર્દેશ આપ્યો હતો.
CEC રાજીવ કુમારે જણાવ્યું હતું કે, "મહારાષ્ટ્રમાં 288 મતવિસ્તાર છે, જેમાંથી એસસી બેઠકો 25 અને એસટી બેઠકો 29 છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે તેથી તે પહેલાં ચૂંટણીઓ પૂર્ણ કરવી પડશે."
નોંધનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને એસએસ સંધુ મહારાષ્ટ્રના બે દિવસીય પ્રવાસ પર છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર સુધી છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં ચૂંટણીને લઈને કોઈ જાહેરાત થઈ શકે છે.