YSRCP : જગનમોહને દ્રૌપદી મુર્મૂને જાહેર કર્યું સમર્થન, ઉમેદવારી સમયે રહેશે હાજર
YSRCP will Support NDA Presidential Candidate : સૂત્રોના જણાવ્યા અનુસાર આંધ્રના CM જગનમોહન રેડ્ડી દ્રૌપદી મુર્મૂની ઉમેદવારી સમયે હાજર રહેશે.
YSRCP announces support to Draupadi Murmu : દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી રહી છે. NDA અને વિરોધી દળોએ તેમના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપ જેનું નેતૃત્વ કરે છે એ NDA ગઠબંધને ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર જાહેર કર્યા છે, જયારે વિપક્ષે સંયુક્ત ઉમેદવાર તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને ઉમેદવાર જાહેર કર્યા છે. આ બંનેમાંથી NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું પલડું ભારે થઇ રહ્યું છે. કારણકે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને હવે NDA બહારના પક્ષોનું પણ સમર્થન મળી રહ્યું છે.
જગનમોહને દ્રૌપદી મુર્મૂને જાહેર કર્યું સમર્થન
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન જાહેર કર્યું છે. સૂત્રોનું માનીએ તો દ્રૌપદી મુર્મૂ આવતીકાલે 24 જૂને પોતાનું ઉમેદવારીપત્ર ભરવાના છે. આ સમયે ભાજપ અને NDAના મોટા નેતાઓ સાથે જગનમોહન રેડ્ડી પણ ઉપસ્થિત રહેશે.
NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત નિશ્ચિત
બીજુ જનતા દળ, JDU અને YSRCPના સમર્થનથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત નિશ્ચિત માનવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની ઈલેક્ટોરલ કોલેજમાં સત્તારૂઢ NDA પાસે બહુમતી નથી, પરંતુ 49 ટકા મતો પર તેનો પ્રભાવ છે. NDAને 1086431માંથી 532351 વોટ મળવાની સંભાવના છે. તેમાંથી YSRCP પાસે 45,550 વોટ છે અને AIADMK પાસે 14,940 વોટ છે. આવી સ્થિતિમાં દ્રૌપદી મુર્મૂની જીત માટે બીજુ જનતા દળ અને YSRCPનું સમર્થન જ પૂરતું છે.
નવીન પટનાયક પણ જાહેર કરી ચુક્યા છે સમર્થન
NDAના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂનું નામ જાહેર થતા જ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે પણ સમર્થન જાહેર કર્યું હતું. ઓડિશાના મુખ્યપ્રધાન અને બીજેડીના વડા નવીન પટનાયકે રાજ્યના તમામ ધારાસભ્યોને દ્રૌપદી મુર્મૂને મત આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, "હું ઓડિશા વિધાનસભાના તમામ સભ્યોને, પાર્ટી લાઇનમાં, ઓડિશાની પુત્રી દ્રૌપદી મુર્મુને દેશના સર્વોચ્ચ પદ પર લઈ જવા માટે સર્વસંમતિથી સમર્થન આપવા અપીલ કરું છું."