ભારત-પોલેન્ડના ગાઢ સંબંધોના મૂળમાં છે જામનગરના જામસાહેબનું ખાસ કનેક્શન
ભારત અને પોલેન્ડ વચ્ચે ખૂબ જ આત્મિયતાના સંબંધો રહ્યા છે. આ સંબંધના મૂળમાં છે એક એવી કહાની જેનુ સાક્ષી ગુજરાતનું નવાનગર એટલે કે આજનું જામનગર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેન અને પોલેન્ડની યાત્રા પર જવા રવાના થયા છે. ખૂબ ઓછા લોકોને ખબર હશે કે ભારત અને પોલેન્ડ વચ્ચે ખૂબ જ આત્મિયતાના સંબંધો રહ્યા છે. આ સંબંધના મૂળમાં છે એક એવી કહાની જેનુ સાક્ષી ગુજરાતનું નવાનગર એટલે કે આજનું જામનગર છે. બીજા વિશ્વયુદ્ધની અંધાધૂંધી અને વિનાશ વચ્ચે કરુણા અને માનવતાની એક નોંધપાત્ર ઘટના જે બે દૂરના દેશો—પોલેન્ડ અને ભારતને જોડે છે. આ ઘટના પોલિશ બાળકોની આસપાસ ફરે છે જેમને ભારતના રજવાડા નવાનગરના શાસક મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજીની પરોપકારી સંભાળ હેઠળ જામનગરના બાલાચડીમાં આશ્રય મળ્યો હતો. આ બાળકોની ઇતિહાસના સૌથી અંધકારમય સમયગાળામાંથી નવજીવન આપ્યુ. તે ભારત અને પોલેન્ડ વચ્ચેની મિત્રતાનું એક શક્તિશાળી પ્રતિક છે, જે સંબંધ આજ સુધી ખીલી રહ્યો છે.
(બાલાચડી ખાતે પોલિશ બાળકો)
આજથી 8 દાયકા પહેલા જયારે બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો અને હજારો લોકોને મોતને ઘાટ ઉતાર્યા. એ સમયે પોલેન્ડથી નાના બાળકો અને વૃધ્ધો સાથે બે જહાજ રવાના થયા. બાળકોને સુરક્ષિત સ્થળે આશરો મળી શકે એ માટે અનેક દેશોની સફર ખેડી પરંતુ કયાંય આશરો મળ્યો નહીં. આ જહાજ અનેક દેશોમાં જવા પર તેમને કયાંય પણ આશરો મળ્યો નહીં. અંતે જહાજ મુંબઈના બંદર પર લાંગરવામાં આવ્યુ. અહીં અંગ્રેજોનું રાજ હોય તેમણે પણ આશરો નહીં આપવાનો નિર્ણય કર્યો. પોલન્ડના બાળકોના નસીબ સારા હતા કે આ સમયે મુંબઈમાં જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહ હાજર હતા. તેમને સંદેશ મળ્યો કે વિદેશી બાળકો સાથે બે જહાજ આશરો લેવા બંદર પર આવ્યા છે,આ વર્ષ હતુ 1942 જયારે મહારાજાએ બંને જાહાજને જામનગરના બેડી બંદર પર લઈ આવવા જણાવ્યું.
(બાલાચડી કેમ્પમાં પોલિશ બાળકો)
મહારાજા જામ સાહેબ કરુણા અને ઉદારતા માટે જાણીતા હતા તેમણે આ પોલિશ બાળકોને બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ બાળકો વિદેશી હોય અને દુશ્મન દેશના હોય તેમને કોઈ આશ્રય મળતો ન હતો ત્યારે તેમને નવાનગરમાં આશ્રય આપવાનું નક્કી કર્યું.બસ અહીથી આ પોલિશ બાળકોના ભાવિએ ચમત્કારિક વળાંક લીધો. 2થી 15 વર્ષની વયના આ બાળકો યુદ્ધ દરમિયાન અનાથ થયા હતા અથવા તો તેમના પરિવારોથી વિખુટા પડયા હતા. એવા સમયે જામસાહેબ તેમની વ્હારે આવ્યા હતા. બાળકો ભરેલા બંને જહાજને જામનગરના બેડી બંદર પર લઈ જવાનો આદેશ કર્યો. બેડી બંદર પર જહાજ જયારે પહોંચે છે ત્યારે આ બાળકોને એક આશાની કિરણ દેખાવા લાગી હતી. જામસાહેબે આ બાળકોને જામનગરથી 30 કિલોમીટર દૂર બાલાચડી ખાતે આશરો આપ્યો જ્યાં હાલ સૈનિક સ્કૂલ બાલાચડી ચાલે છે. અહીંથી શરૂ થાય છે ભારત અને પોલેન્ડના સંબંધોની શરૂઆત.
પોલિશ બાળકોને શરૂઆતના દિવસોમાં જમવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી ત્યારે જામસાહેબે તેમના માટે વિદેશી કૂક અને ખોરાકની વ્યવસ્થા કરી આપી હતી. જામ સાહેબ દ્વારા બીમાર બાળકોની સારવાર અર્થે ડોક્ટરની પણ સેવા આપવામા આવી હતી. તમામને વિશ્વયુદ્ધ પૂર્ણ થયું ત્યાં સુધી સાચવી અને જ્યારે બાળકો મોટા થયા ત્યારે તેમને ફરી પોલેન્ડ જવા વ્યવસ્થા કરી આપી હતી. આજે પણ જામનગરમાં કોઈ પણ મોટી આફત આવે તો સૌથી પહેલી સહાય પોલેન્ડથી જ આવે છે.
(વાર્ષિક કાર્યક્રમમાં પોલિશ બાળકો સાથે મહારાજા દિગ્વિજયસિંહજી)
પોલિશ બાળકોના બાલાચડી ખાતે વસવાટ દરમિયાન મહારાજા અવારનવાર અહીં મુલાકાત લેતા અને બાળકોની સાર સંભાળ રાખતા હતા. તેઓ બાળકો માટે મીઠાઈ અને ભેટ સોગાદ પણ લાવતા હતા. આ દરમિયાન પોલેન્ડના તહેવારોની પણ અહીં ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હતી. પોલિશ બાળકો તેમને પ્રેમથી "બાપુ" કહી બોલાવતા હતા જેનો અર્થ 'પિતા' થાય છે.
(પોલેન્ડમાં મહારાજા દિગ્વિજયસિંહજીના નામનો રોડ)
મહારાજા જામ સાહેબની કામગીરીથી પ્રભાવિત થઈ પોલેન્ડ સરકારે તેમને વિવિધ રીતે સન્માનિત કર્યા છે. પોલેન્ડમાં મહારાજા દિગ્વિજયસિંહજીના નામથી રોડનું નામ આપવામાં આવ્યું છે. પોલેન્ડની રાજધાની વોર્સોમાં મહારાજાની મોટી પ્રતિમા છે. આ પ્રતિમા ભારત અને પોલેન્ડ વચ્ચેની સ્થાયી મિત્રતાના પ્રતીક તરીકે આજે પણ ઉભી છે. 2013માં અનાવરણ કરાયેલ આ પ્રતિમા વોર્સોના શાહી સ્લેઝિએન્કી પાર્કમાં આવેલી છે. જે પોલેન્ડમાં મહાન ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે. પ્રતિમા પરના શિલાલેખમાં લખ્યું છે: "નવાનગરના મહારાજાને, જેમણે 1942 માં પોલિશ બાળકોને રજવાડામાં આશ્રય આપ્યો હતો."
(સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે પોલિશ બાળકો દ્વારા બનાવાયેલ સ્મારક)
પોલેન્ડના રાષ્ટ્રપતિ આન્દ્રેઝ ડુડા આ ઇતિહાસ સાથે વ્યક્તિગત સંબંઘ ધરાવે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં આશ્રય મેળવનારા પોલિશ શરણાર્થીઓમાં તેમના પોતાના પરિવારના સભ્યો પણ હતા. રાષ્ટ્રપતિ ડુડાએ 2017માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મહારાજા જામ સાહેબ અને જામનગરના લોકોને યુદ્ધ દરમિયાન તેમની દયા અને ઉદારતા માટે શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની મુલાકાતે ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને મજબૂત કર્યા હતા.
(બાલાચડી કેમ્પ)
ભારત-પોલેન્ડ વચ્ચે ગાઢ મિત્રતાનું સાક્ષી જામનગરનું બાલાચડી છે. પોલિશ બાળકોને નવજીવન આપનાર આ સ્થળ ઇતિહાસના સોનેરી અક્ષરે લખાયેલું છે.