'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
કાયદો હોવા છતાં પીડિતોને મફત તબીબી સારવાર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
દિલ્હી હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં કહ્યું હતું કે સરકારી અથવા ખાનગી હોસ્પિટલો જાતીય ગુનાઓ, એસિડ હુમલો અથવા આવા અન્ય ગુનાનો ભોગ બનેલી વ્યક્તિની સારવાર કરવાનો ઈનકાર કરી શકે નહીં. આવા પીડિતોને મફત સારવાર ન આપવી એ ગુનો છે. તમામ હોસ્પિટલોએ આવા પીડિતોને મફત સારવાર પૂરી પાડવી જોઈએ નહી તો ફોજદારી કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે.
જસ્ટિસ પ્રતિભા એમ સિંહ અને જસ્ટિસ અમિત શર્માની ખંડપીઠે દુષ્કર્મ, સામૂહિક બળાત્કાર, એસિડ અટેક, સગીરોની જાતીય સતામણી અને આવા અન્ય ગુનાઓનો ભોગ બનેલા કેસમાં અનેક માર્ગદર્શિકા જાહેર કરી હતી. કોર્ટે કહ્યું કે કાયદો હોવા છતાં પીડિતોને મફત તબીબી સારવાર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ખંડપીઠે ચુકાદામાં કહ્યું હતું કે જ્યારે પણ ગુનાનો ભોગ બનેલી વ્યક્તિ સરકારી કે ખાનગી રીતે કોઈપણ તબીબી સુવિધા, લેબોરેટરી, નર્સિંગ હોમ, હોસ્પિટલ, આરોગ્ય ક્લિનિકનો સંપર્ક કરે છે તો તેને મફત તબીબી સારવાર આપ્યા વિના પાછો મોકલવવામાં આવશે નહીં. હાઈકોર્ટે કહ્યું હતું કે, પીડિતોને સારવાર આપવાનો ઇનકાર કરવો એ ગુનો છે અને તમામ ડોકટરો, વહીવટીતંત્ર, અધિકારીઓ, નર્સો, પેરામેડિકલ કર્મચારીઓને આ અંગે જાણ કરવી જોઈએ.
આ સાથે બેન્ચે યૌન અપરાધનો ભોગ બનેલી યુવતીની તાત્કાલિક તપાસ અને સારવારનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જો જરૂર પડશે તો પીડિતાને એચઆઈવી અથવા અન્ય કોઈપણ જાતીય સંક્રમિત રોગની મફત સારવાર પણ આપવામાં આવશે. સારવારમાં માત્ર પ્રાથમિક સારવાર જ સામેલ નહી હોય પરંતુ નિદાન, દર્દીને દાખલ કરવા, જરૂરી મેડિકલ ટેસ્ટ, સર્જરી, શારીરિક અને માનસિક પરામર્શ, મનોવૈજ્ઞાનિક સહાય, કુટુંબ પરામર્શનો પણ સમાવેશ થાય છે. આ CrPC ની કલમ 357C, BNSS ની કલમ 397 અને POCSO નિયમ, 2020ના નિયમ 6(4) હેઠળ કાનૂની અધિકાર છે.
તમામ હોસ્પિટલોએ જાહેર બોર્ડ પર માહિતી પોસ્ટ કરવી જોઈએ
કોર્ટે તમામ હોસ્પિટલોને એન્ટ્રી ગેટ, રિસેપ્શન અને અગ્રણી સ્થાનો પર અંગ્રેજી અને સ્થાનિક ભાષાઓમાં બોર્ડ લગાવવાનો નિર્દેશ આપ્યો છે જેમાં આવા પીડિતો માટે મફત તબીબી સારવારની માહિતી છે.
જ્યારે કોઈ પીડિત વ્યક્તિને ઈમરજન્સીમાં હોસ્પિટલમાં લાવવામાં આવે છે ત્યારે સંસ્થાઓએ તેનું ઓળખપત્ર ન માંગવું જોઈએ. આવા સંજોગોમાં જરૂરી તબીબી મદદ આપવાનો ઇનકાર કરવો એ સજાપાત્ર ગુનો છે અને પોલીસમાં તાત્કાલિક કેસ નોંધવો જોઈએ.