Jamnagar: રૂપાલાના વિવાદિત નિવેદન પર જામનગર રાજવી પરિવારે પ્રેસ રીલીઝ કરી નિવેદન જાહેર કર્યું
રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ જામનગર રાજવી પરિવારના જામશત્રુશલ્યસિંહજીએ પ્રથમ વખત પ્રેસ રીલીઝ જાહેર કરી પોતાનું નિવેદન આપ્યું છે.
જામનગર: રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ જામનગર રાજવી પરિવારના જામશત્રુશલ્યસિંહજીએ પ્રથમ વખત પ્રેસ રીલીઝ જાહેર કરી પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે લખ્યું છે કે, આ બારામાં હજુ સુધી કઈ વધુ પડતું નથી બન્યું તે મારા હિસાબે સારી વાત છે કારણ કે, કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય પરંતુ, અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે તેની સજા થવી જોઈએ.
જે બહેનોએ આ હિંમત દર્શાવી તેને મારા ધન્યવાદ છે. પરંતુ જે કાર્યનો સંકલ્પ કર્યો હતો તેની હું ટીકા કરું છું કારણ કે, જૌહર નો પ્રશ્ન આ કિસ્સામાં બિલ્કુલ ઉપસ્થિત થતો જ નથી.
હાલમાં, ભારતમાં લોકશાહી લાગુ છે. એક જમાનામાં રાજપૂતો રાજ કરતા હતા તેનું કારણ માત્ર હિંમત નહોતી પણ સાથે-સાથે એકતાનું પણ હતું. તે જમાનામાં રાજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતા. જ્યારે આજના જમાનામાં ઘણીવાર જોવામાં આવે છે કે, રાજપૂતો નહીં જેવી બાબતોમાં એકબીજાને મારવા તૈયાર થઈ બેસે છે.
તો એ સમય આવી ગયો છે કે, આજના લોકશાહીના સમયમાં ગેરવ્યાજબી રીતે નહીં પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં પણ એકતા રાખી બતાવી દેવાનું છે કે, રાજપૂતો હજી ભારતમાં જ છે. તેથી સહુ રાજપૂતો ભેગા મળી જે કોઈ આવુ કૃત્ય કરે કે જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળી ચૂંટણીમાં હરાવો. આને જ કહેવાય લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરુપ સજા.
વઢવાણ અને ભાવનગર રાજવી પરિવારે શું કહ્યું
રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ન ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.
વઢવાણ રાજવી પરિવાર ઉપરાંત ભાવનગર રાજવી પરિવારે પણ વિરોધમાં સૂર પૂરાવ્યો છે, તેમને પણ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધના નિવેદનોનો વિરોધ કર્યો છે, આજે પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે.
શું છે વિવાદ
રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ રજવાડાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને લઈ રાજપૂત સમાજમાં ભારે રોષ છે. કેંદ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાએ કહ્યું હતું કે, મહારાજાઓએ નમીને રોટી-બેટીના વ્યવહાર કર્યા. આ નિવેદનનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નિવેદનને લઈ વિરોધ થતા પરશોત્તમ રુપાલાએ દિલગીરી વ્યક્ત કરી હતી અને ક્ષત્રિય સમાજની માફી માંગી હતી.