Banaskantha : કેફી પીણું પીવડાવી શિક્ષકનો બનાવી લીધો અશ્લીલ વીડિયો ને યુવતીનું મર્ડર થઈ ગયાનું કહી.....
શિક્ષકનો અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરવાની અને યુવતીના મર્ડર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. માંગણી ચાલું રહેતા અંતે શિક્ષકે પોલીસનું શરણ લીધું હતું.
દાંતીવાડાઃ બનાસકાંઠામાં દાંતીવાડાના શિક્ષક સાથે 41 લાખની છેતરપીંડી થઈ હોવાની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. શિક્ષકનો અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરવાની અને યુવતીના મર્ડર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. 41 લાખ રૂપિયા પડાવ્યા પછી પણ માંગણી ચાલું રહેતા અંતે શિક્ષકે પોલીસનું શરણ લીધું હતું. દાંતીવાડા પોલીસ મથકે પાલનપુરના ઉમરખાન સોલંકી અને અકરમ મેવાતી સામે ફરિયાદ નોંધાવી હતી. દાંતીવાડા પોલીસે 41 લાખ છેતરપીંડી મામલે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસે બંને આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે.
પાલનપુરના ઢાળવાસ વિસ્તારમાં રેડિમેડ કપડાની દુકાન ધરાવતા ઉમર ખાનને ત્યાં તેઓ કપડાની ખરીદી કરવા ગયા હતા. ત્યારે દુકાનદાર ઉમર સાથે તેમને મિત્રતા થઈ હતી. ઉમરે શિક્ષકનો મોબાઈલ નંબર લઈ પરિચયમાં આવ્યો હતો. એક દિવસ રેડીમેડ વેપારી શિક્ષકના ઘરે પહોંચ્યો હતો. આ સમયે શિક્ષકની પત્ની અને બાળકો વતન ગયા હતા. જેનો લાભ લઈ શિક્ષકને નશાયુક્ત કેફીપીણું પીવડાવી બેભાન કરી અશ્લીલ વિડીયો ઉતારી દીધો હતો. તેમજ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 20,000 રૂપિયા માગ્યા હતા. જેથી ડરી ગયેલા શિક્ષકે રૂપિયા આપી દીધા હતા. આ પછી વારંવાર પૈસા માગવાનો સીલસીલો જારી રહ્યો હતો.
એક વર્ષ પહેલા ઉમરે 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. તેને આપવા જતાં તેનો અશ્લીલ વીડિયો પ્રેમિકા જોઈ ગઈ હોવાનું કહ્યું હતું. તેમજ યુવતીએ 30 લાખ માગતા તેની હત્યા કરી હોવાનું કહ્યું હતું. તેમજ આ પછી ઉમરે શિક્ષકને યુવતીના મર્ડર કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાની શરૂ કરી હતી.
ત્રણ મહિના પહેલા ઉમરે અક્રમની એસ.ઓ.જી પોલીસ તરીકેની ઓળખાણ આપી કેસના પતાવટની વાત કરી હતી. તેમજ પતાવટ કરવા અને કેસમાંથી નામ કઢાવવા 41 લાખ રૂપિયા જેટલું ચુકવણું કરી દીધું હતું. આ પછી પણ પૈસાની માંગણી ચાલું રહેતા શિક્ષકે દાંતીવાડા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.