C.R. પાટિલે ક્યા ધારાસભ્યોને કહ્યું કે, મારી પાસે તો આવતા જ નહીં, જઉં હોય તો સીધા ઉપર ‘સાહેબ’ પાસે જજો.........
અત્યારે ભાજપ પાસે 182માંથી 112 ધારાસભ્યો છે, એટલે 70 તો આપડે નવા શોધવાના જ છે ને આમાંથી કેટલાકને રિટાયર્ડ કરશે સાહેબ, એટલે 100 તો નવા થઈ જશે. અહીં બેઠેલા ધારાસભ્યોએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં.
હિંમતનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મોટા પાયે સાફસૂફી કરશે એવી અટકળો વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે કહ્યું છે કે, ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરાને તક આપશે. પાટિલે સાફ શબ્દોમાં કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં જે ધારાસભ્યો સક્રિય નહીં રહ્યા હોય, જેમની સામે ફરિયાદો હશે તેવાનો પાર્ટી વિચાર નહીં કરે.
તેમણે કહ્યું કે, અત્યારે ભાજપ પાસે 182માંથી 112 ધારાસભ્યો છે, એટલે 70 તો આપડે નવા શોધવાના જ છે ને આમાંથી કેટલાકને રિટાયર્ડ કરશે સાહેબ, એટલે 100 તો નવા થઈ જશે. અહીં બેઠેલા ધારાસભ્યોએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. પણ 100 તો નવા શોધવાના છે કે નહીં? તો 100 શોધવાના હોય, તો મેં એમને કહ્યું આજે હારેલા ધારાસભ્યોને ફરીથી સક્રિય કરો.
પાટિલે કહ્યું કે, કેટલાક ધારાસભ્યોને વયના કારણે નિવૃત્ત કરાશે અને કેટલાકને સાહેબ કાપી નાંખશે તેથી 100 જેટલા નવા ચહેરાને ભાજપ ટિકિટ આપશે. તેમણે કહ્યું કે, ‘આપણે ધારાસભ્ય એટલે સીધા ‘સાહેબ’ પાસે, હું કોઈને કાપી શકું એમ નથી ને કોઈને આપી શકું નથી એટલે મારી પાસે આવતા નહીં., જવું હોય તો સીધા સાહેબ પાસે જજો.
પાટીલે વર્તમાન ધારાસભ્યોને ચીમકી પણ આપી કે, ભાજપમાં ધારાસભ્યોની કામગીરી મુદ્દે 5 વર્ષના સર્વેના આધારે ટિકીટ અપાય છે અને આ સર્વેમાં નવા ચહેરા આવે તો તેમને તક મળે છે ને તેવા લોકો જીતી પણ જાય છે. સર્વેમાં નવા નવા ચહેરા શોધી લાવે છે, તેવા ઉમેદવાર જીતે પણ છે. આ સંજોગોમાં કોઈ ભ્રમમાં ના રહેતા.
આ પહેલાં પાટિલે ગયા અઠવાડિયે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે એવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે વિધાનસભા ચૂંટણી તેના નિયત સમયે જ યોજાશે અને મંત્રી મંડળમાં જેમ તમામ પ્રધાનો પડતા મુકાયા તેવી 'નો રિપીટ 'થિયરી તમામ ધારાસભ્યો માટે લાગુ નહીં પડે. તેમણે હળવા જણાવ્યું કે, નો રીપીટ થિયરી મત્રીઓમાં જે રીતે કરાઈ છે તે રીતે ધારાસભ્યોમાં નહીં થાય. આ વખતે બધા ધારાસભ્યો નહીં પરંતુ થોડા ઘણા બદલાવીશું એટલે કે રીપીટ નહીં થાય. તેમણે 2022 વિધાનસભા ચૂંટણી અંગે કહ્યું કે, અમારો જન્મ જીતવા માટે થયો છે. પાટિલે ગુજરાતમાં ભાજપ ફરી જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, પ્રજાનાં કામો ભાજપ સતત કરે છે તેથી ભાજપ જીતે છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ પાટિલ રવિવારે હિંમતનગર ખાતે પહોંચ્યા હતા. હિંમતનગરના મોતીપુરા સર્કલથી ટાઉનહોલ સુધી બાઇક રેલી યોજાઈ હતી. સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે આજે ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હિંમતનગર ના મોતીપુરા ખાતેથી તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ બાઈક રેલી સાથે શહેરના મુખ્ય માર્ગો પર શક્તિ પ્રદશન કર્યું હતું અને રેલીના રૂટ પર આવતી મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.