(Source: ECI/ABP News/ABP Majha)
Visa Fraud : અંગ્રેજીમાં "ઢ' છતાં IELTSમાં 8 બેન્ડ મેળવી મહેસાણાના ચાર યુવાનો અમેરિકા પહોંચી ગયા, જાણો પછી શું થયું
Mehsana News : મહેસાણામાંથી મોટું વિઝા ફ્રોડ એટલે કે કબૂતરબાજી પ્રકરણ સામે આવ્યું છે.
Mehsana : મહેસાણામાંથી મોટું વિઝા ફ્રોડ એટલે કે કબૂતરબાજી પ્રકરણ સામે આવ્યું છે. આ કૌભાંડમાં અંગ્રેજીમાં "ઢ' છતાં IELTSમાં 8 બેન્ડ મેળવી મહેસાણાના ચાર યુવાનને અમેરિકા મોકલાયા હતા. અમેરિકન સરકારે મુંબઈ એમ્બેસીને અને એમ્બેસીના અધિકારીએ મહેસાણા એસપીને જાણ કરતાં તપાસ શરૂ કરવામાં આવી છે.
બોટ ડૂબતા યુએસ પોલીસે રેસ્ક્યુ કર્યું
મૂળ મહેસાણા, વીસનગર અને જોટાણા તાલુકાના 4 વિદ્યાર્થીઓ અંગ્રેજી આવડતું ન હોવા છતાં પણ IELTS(International English Language Testing System)માં 8 બેન્ડ લાવી ભારતથી કેનેડા અને કેનેડાથી ગેરકાયદે અમેરિકા ઘૂસી ગયા. આ 4 વિદ્યાર્થી વિદેશ જવા માટેની IELTSના 8 બેન્ડ સાથે કેનેડા પહોંચ્યા હતા, જ્યાંથી ગત 28 એપ્રિલ 2022ના રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફત હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા.
કોર્ટમાં પૂછપરછ દરમિયાન ભાંડો ફૂટ્યો
આ દરમિયાન બોટ પાણીમાં ડૂબતી હોઈ, યુએસએ પોલીસે રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા અને અમેરિકાની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવતા અંગ્રેજીમાં જવાબ આપી શક્યા નહોતા.IELTSની પરીક્ષામાં 8 બેન્ડ લાવી વિદેશ પહોંચેલા આ વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલી શકતા ન હોવાથી શંકા જતાં અમેરિકન સરકાર અને એમ્બેસીએ આ અંગે પત્ર લખી મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી.
મહેસાણા પોલીસે શરૂ કરી તપાસ
મુંબઈ સ્થિત ભારત એમ્બેસીના ચોંગલે મેજબિન એમ નામના ક્રિમિનલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ગત 23 મે 2022ના રોજ મહેસાણા જિલ્લા પોલીસવડાને આ અંગે પત્ર લખ્યો હતો, જેને પગલે એસપી અચલ ત્યાગીએ એસઓજીને તપાસ સોંપી હતી. પીઆઇ ભાવેશ રાઠોડ અને ટીમે તપાસ શરૂ કરી અમેરિકા પહોંચી ગયેલા 4 વિદ્યાર્થીનાં પરિવારજનો, એજન્ટો સહિતનાં નિવેદનો લેતાં IELTSની પરીક્ષામાં જ કંઈક ગરબડ ગોટાળો થયો હોવાનું મનાય છે.
કેનેડા પોહચેલા ચાર યુવાનો મહેસાણા જિલ્લાના વિવિધ ગામોના છે -
1. પટેલ ધ્રુવ રસિકભાઈ રહે.પરાવાસ, માંકણજ, તા.મહેસાણા
2.પટેલ નીલ અલ્પેશકુમા રહે.ધામણવા,તા.વીસનગર
3.પટેલ ઉર્વીશ શૈલેષભાઈ રહે.રામનગર, ખદલપુર, તા.જોટાણા
4.પટેલ સાવન રાજેન્દ્રકુમાર રહે.સાંગણપુર, તા.જિ. મહેસાણા