MEHSANA : દારૂ સપ્લાયરમાં ભાજપના આ મોટા નેતાનું નામ સામે આવ્યું, જાણો બટુલેગરે કોનું નામ આપ્યું
MEHSANA NEWS : ભાજપના પૂર્વ નેતાનું નામ ખુલતા ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલે વિજાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
MEHSANA : રાજ્યમાં ચકચારી દારૂકાંડને હજી વધારે દિવસો થયા નથી. રાજ્યમાં દારૂબંધી માત્ર કહેવા પૂરતી હોય એમ અવારનવાર દારૂ પકડાઈ રહ્યો છે. વિપક્ષો દારૂબંધીને કાગળ પરની કહીને સરકાર પર છાશવારે પ્રહારો કરે છે. આ બધી બાબતો વચ્ચે આજે મહેસાણામાં દારૂ પકડાયો છે. જો કે આ કોઈ નવી વાત નથી. પણ આ સમાચાર અંગે ચોંકવનારી વાત એ છે કે આ પકડાયેલો દારૂ સપ્લાયર કરનારામાં ભાજપના એક મોટા નેતાનું નામ ખુલ્યું છે.
ભાજપ નેતા રેણુસિંહ ઠાકોરનું નામ ખુલ્યું
મહેસાણામાં પકડાયેલા દારૂ મામલે સપ્લાયર તરીકે ભાજપ શાસિત વિજાપુર નગપાલિકાના પ્રમુખ રેણુસિહ ઠાકોરનું નામ ખુલ્યું છે. દારુ લઈ આવતા બૂટલેગરને પકડતા દારુનો જથ્થો વિજાપુર નગરપાલિકાના પ્રમુખે મંગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. રેણુસિંહ ઠાકોર સામે અગાઉ પણ દારુ મુદ્દે ગુનો દાખલ થયો છે. આ સમગ્ર મામલે વિજાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
નામ ખુલ્યું એ પહેલાં જ ભાજપમાંથી આપ્યું રાજીનામું
મહેસાણાની વિજાપુર નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી પ્રમુખ પદ પર રહેલા રેણુસિંહ ઠાકોરે આ પકડાયેલા દારૂ મામલે સપ્લાયર તરીકે નામ ખુલ્યા એ પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપવાનું કારણ તેમણે સિનિયર નેતાઓની હેરાનગતિને ગણાવ્યું હતું.
ભાજપના પૂર્વ નેતા રેણુસિંહ ઠાકોર (ફાઈલ ફોટો)
રેણુસિંહ પર 2016માં પણ દારૂની હેરાફેરીનો કેસ થયો હતો
વિજાપુર પોલીસે તારીખ 15-5-2022ના રોજ રૂ.80,400નો દારુનો જથ્થો પકડ્યા હતો. આ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી. તાપસમાં કલ્પેશ ઠાકોર નામના બૂટલેગર દારુ લાવતો હોવાનું નામ ખૂલ્યું હતું. પોલીસે કલ્પેશ ઠાકોરની ધરપકડ કરતા સામે આવ્યુ કે વિજાપુર નગરપાલિકાના પ્રમુખ રેણુસિંહ ઠાકોરે મંગાવ્યો છે. વિજાપુર ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ રેણુસિંહ ઠાકોરનું દારુ સપ્લાયમાં નામ સામે આવતા પોલીસે તપાસ તેજ કરી છે. રેણુસિંહ ઠાકોર સામે આગાઉ 2016માં દારુની હેરાફેરીનો કેસ થઈ ચૂક્યો છે