RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા
મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે
RTOના પાપે મહેસાણામાં જોખમી સવારી યથાવત છે. મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડાયા હતા. પેસેજર્સની વ્હીકલ્સની ઉપર પણ મુસાફરોને બેસાડ્યાનો વીડિયો વાયરલ થયો હતો. બહુચરાજી પોલીસની નજર સમક્ષ વાહન ચાલકો મુસાફરોને જોખમી મુસાફરી કરાવી રહ્યા છે.
મહેસાણા બાદ હવે બનાસકાંઠામાં જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. થરાદ-સાંચોર હાઈવે પર જોખમી સવારી કરાવવામાં આવી રહી છે. જીપની છત પર અને પાછળ લટકીને મુસાફરી કરતા હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. થોડા રૂપિયાની લાલચમાં નિર્દોષોનો જીવ જોખમમાં મુકવામાં આવી રહ્યો છે. આરટીઓ આ વાહન ચાલકો સામે કાર્યવાહી કેમ નથી કરતું તે એક સવાલ છે. સરહદીય વિસ્તારમાં અનેક વિસ્તારોમાં જોખમી મુસાફરી થતી હોવાના વિડિયો આવ્યા છે.
વાહન લઇને સ્કૂલે જતા સગીર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામા આવશે. અમદાવાદ શહેરમાં ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ ગિયરવાળા ટુ વ્હીલર્સ અને ફોરવ્હીલ લઈને જતા હોવાની અનેક વાર ફરિયાદ ઉઠી છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય DEOએ તમામ સ્કૂલોને સૂચના સાથેનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં DEOએ તાકીદ કરી કે ગિયરવાળા વાહનો લઈને સ્કૂલે જતા સગીર વિદ્યાર્થીઓને લઈ આકસ્મિક ચેકિંગ હાથ ધરાશે.
એટલું જ નહીં આ સમયે જો કોઈ સગીર બિનઅધિકૃત વાહન સાથે ઝડપાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. પાત્રતા ન ધરાવનાર સગીરને ગિયરવાળા વાહન આપનાર માતા-પિતા પણ ગુનેગાર ગણાય છે. તેના માટે વાલીઓમાં જાગૃતિ લાવવી જરૂરી છે. જેને લઈ જાગૃતિ લાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. જ્યારે આગામી સપ્તાહમાં જિલ્લાની શાળાઓમાં RTOના સક્ષમ અધિકારીનું સંકલન કરી આકસ્મિક તપાસ હાથ ધરાશે તેવી ચીમકી આપવામાં આવી છે.