આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ક્યાંથી કરવામાં આવી ધરપકડ?
આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રાના બીજા ચરણનો આજથી ઉંઝા ઉમિયા માતાજીના દર્શન કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મહેસાણાઃ આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રાના બીજા ચરણનો આજથી ઉંઝા ઉમિયા માતાજીના દર્શન કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લામાં યાત્રા શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની મહેસાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આપના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે મહેસાણા ટોલનાકા પાસે જ એક જૂના કેસમાં 'આપ'ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની કલમ ૧૮૮ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અમે લોકો મહેસાણા પોલીસ સ્ટેશને પહોંચીને જ્યાં સુધી ગોપાલ ઈટાલિયાને છોડવામાં ન આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં જ બેસી રહેશુ અને ધરણા કરીશું.
ગઢવીએ વધુમાં જણાવ્યુ કે ભાજપની આવી નીતિ સામે ગુજરાતના લોકોમાં આક્રોશ છે અને ભાજપને જડબાતોડ જવાબ મળશે. પાંચ વર્ષ પહેલાના કેસમાં ધરપકડ કરીને ભાજપ સરકાર લોકશાહીનું અપમાન કરી રહી છે. નોંધનીય છે કે મહેસાણા ખાતેથી આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા શરૂ થઈ છે. જેમાં ઈશુદાન ગઢવી, મહેશભાઈ સવાણી સહિત હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
રોજગાર દિવસની ઉજવણી કરાઇ
આજે ગુજરાતની રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીની ભાગ રૂપે સુરત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આ ઉજવણી કરવામાં આવી હતી. સરસાણા ખાતે કન્વેન્શન સેન્ટરમાં વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા.
આજે રોજગાર મેળામાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 62 હજાર યુવકોને રોજગાર નિમણૂક પત્ર અપાયા હતા. આ સમયે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, રોજગાર મેળવનાર 62 હજાર યુવકોને અભિનંદન આપું છું. આજે છઠ્ઠા દિવસે અમારું લક્ષ્યાંક હતું 50 હજાર યુવકોને મળે, ત્યારે 62 હજાર યુવકોને નોકરી મળી છે, તેથી ઉત્તમ શું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે કહીએ છીએ એ કરીએ છીએ. અમે ખાલી લુખ્ખા વચન આપતા નથી. સીએમના હસ્તે અનુબંધમ રોજગાર નામની પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી નવનિર્મિત મેયર બંગલોની પણ મુલાકાત લેશે.