Yogi Government 2.0: જાણો યોગી સરકાર 2.0ની પાંચ મહિલા મંત્રીઓ વિશે, એક તો પૂર્વ રાજ્યપાલ છે
Uttar Pradesh : આ વખતે પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેબિનેટમાં પાંચ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Uttar Pradesh : આ વખતે પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેબિનેટમાં પાંચ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 52 મંત્રીઓએ મંત્રી તરીકે શપથ લીધા. આ સંદર્ભમાં મહિલાઓના આંકડા પર નજર કરીએ તો તે માત્ર નવ ટકા છે. કેબિનેટમાંથી મોટાભાગના જૂના ચહેરા ગાયબ છે. આવો જાણીએ આ પાંચ મહિલા મંત્રીઓ વિશે
1) બેબી રાની મૌર્ય - કેબિનેટ મંત્રી : ઉત્તરાખંડના રાજ્યપાલ રહી ચૂકેલા બેબી રાની મૌર્યને ખાસ યુપી ચૂંટણી માટે પરત લાવવામાં આવ્યાં હતા. બેબી રાની પશ્ચિમ અને બ્રજ ક્ષેત્રના મોટી જાટવ નેતા માનવામાં આવે છે. તેઓ આગ્રા ગ્રામીણમાંથી જીતીને વિધાનસભા પહોંચ્યા. તેઓ આગ્રાના મેયર અને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય પણ હતા. 1990માં ભાજપમાં જોડાયેલા બેબી રાની મૌર્ય સંગઠનમાં ઘણા મહત્વના હોદ્દા પર હતા.
2) ગુલાબ દેવી - રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો ) : પશ્ચિમ યુપીમાં સત્તા વિરોધી લહેર હોવા છતાં, જીતીને વિધાનસભામાં પહોંચેલા ગુલાબ દેવીને ફરી યોગી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. ગુલાબ દેવી અગાઉ પણ યોગી કેબિનેટમાં મંત્રી હતા. તેઓ સંભલ જિલ્લાની આરક્ષિત બેઠક ચંદૌસીના ધારાસભ્ય છે. તેમણે સપાના વિમલેશ કુમારીને હરાવ્યા.
3) પ્રતિભા શુક્લા - રાજ્ય મંત્રી : કાનપુર ગ્રામ્ય વિસ્તારના અકબરપુર-રાનિયાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પ્રતિભા શુક્લને યોગી કેબિનેટ 2.0માં રાજ્યમંત્રીનું પદ મળ્યું છે. પ્રતિભા શુક્લા 2017માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. મહિલાઓને ભાજપ સાથે જોડવામાં પણ પ્રતિભાએ મહત્વની ભૂમિકા ભજવી છે. 61 વર્ષના પ્રતિભા માસ્ટર ડિગ્રી ધરાવે છે.
4)રજની તિવારી - રાજ્યમંત્રી : રજની તિવારી હરદોઈ જિલ્લાની શાહબાદ વિધાનસભા બેઠક પરથી સતત બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. 47 વર્ષના રજની તિવારીએ આ વખતે સમાજવાદી પાર્ટીના મોહમ્મદ આસિફને હરાવ્યા છે. રજની તિવારી પાસે કુલ 2.82 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
5) વિજય લક્ષ્મી ગૌતમ - રાજ્ય મંત્રી : 59 વર્ષીય વિજય લક્ષ્મી ગૌતમ આ વખતે સલેમપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પ્રથમ વખત તેમને યોગી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. 1992થી રાજનીતિની શરૂઆત કરનાર વિજય લક્ષ્મી ગૌતમ ભાજપ મહિલા મોરચાના દેવરિયા નગરના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તે ભાજપના શહેર ઉપાધ્યક્ષ, જિલ્લા મહિલા મોરચાના બે વખત અધ્યક્ષ, ભાજપના જિલ્લા મંત્રી, ભાજપ ગોરખપુર પ્રદેશ મંત્રી અને ભાજપની રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય રહી ચૂક્યા છે.