Rajkot: રાજકોટમાં 28 વર્ષના યુવકનું ડેન્ગ્યુથી મોત, 4 મહિનાના પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા
Rajkot: રાજકોટ શહેરમાં રોગચાળો વધી રહ્યો છે ત્યારે ઉપલાકાંઠા વિસ્તારના 28 વર્ષના યુવકનું ડેન્ગ્યુથી મૃત્યુ થયું છે. તાવમાં પટકાયા બાદ યુવકનો ડેન્ગ્યુનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને બે દિવસની સારવાર બાદ તેણે અંતિમ શ્વાસ લીધા.
Rajkot: રાજકોટ શહેરમાં રોગચાળો વધી રહ્યો છે ત્યારે ઉપલાકાંઠા વિસ્તારના 28 વર્ષના યુવકનું ડેન્ગ્યુથી મૃત્યુ થયું છે. તાવમાં પટકાયા બાદ યુવકનો ડેન્ગ્યુનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને બે દિવસની સારવાર બાદ તેણે અંતિમ શ્વાસ લીધા.
આ અંગે સામે આવેલી માહિતી અનુસાર મોરબી રોડ પરની સેટેલાઇટ સોસાયટીમાં રહેતા જય સુભાષભાઇ રેણપરા (ઉ.વ.28)ને બે દિવસથી તાવ આવતો હતો. તેની તબિયત લથડતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેને ડેન્ગ્યુ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. તબીબો દ્વારા જયની સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ શુક્રવારે રાત્રે જયનું મૃત્યુ થયું હતું. જયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જય 150 ફૂટ રિંગ રોડ પર ઓટો કન્સલ્ટન્ટનું કામ કરતો હતો. તેના પિતા ઓટો પાર્ટસની દુકાન ચલાવે છે. જય રેણપરા પરિવારનો એકનો એક પુત્ર હતો અને જયને સંતાનમાં ચાર મહિનાનો પુત્ર છે. જયનાં મોતથી રેણપરા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ સહિતના રોગથી મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, પરંતુ આરોગ્ય તંત્રના ચોપડે હજુ સુધી એક પણ મોત નોંધાયું નથી. જો કે ખાનગી હોસ્પિટલના ડેન્ગ્યૂ અંગેના આંકડા ચકાસવામાં આવે તો સત્ય વિગતો બહાર આવી શકે તેમ છે.
વડોદરામાં પણ રોગચાળો વકર્યો
વડોદરા શહેરમાં પણ મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. ડેન્ગ્યૂના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ માત્ર બીબાઢાળ પદ્ધતિથી ચાલતો હોવાનું જણાતાં ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સંકલનની બેઠકમાં સૂચન કરવામાં આવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલોને સાથે રાખી તેમની મદદથી નાગરિકોનું આરોગ્ય સુધરે તે માટે કાર્ય કરવું જોઈએ. જેને પગલે વડોદરા કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ દોડતો થયો છે. બીજી તરફ ડેન્ગ્યૂના વધુ 5 અને મલેરિયાના શંકાસ્પદ 1033 દર્દીઓ નોંધાયા હતા.
મુખ્ય આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ સરકારી ડોક્ટરની ટીમો અન્ય શહેરમાંથી આવી હતી. હવે ધારાસભ્યના સૂચન મુજબ ખાનગી હોસ્પિટલોને સાથે રાખી કેમ્પ કરવામાં આવશે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શનિવારે જાહેર કરેલા રોગચાળાના આંકડામાં ડેન્ગ્યૂના શંકાસ્પદ 51 દર્દીઓ નોંધાયા હતા, જે પૈકી 5 દર્દી પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ચિકનગુનિયાના 22 શંકાસ્પદ પૈકી 3 પોઝિટિવ અને મલેરિયાનાં લક્ષણો ધરાવતા 1033 દર્દીઓ પૈકી 1 પોઝિટિવ આવ્યો હતો. જ્યારે કમળાના 7 શંકાસ્પદ પૈકી 1 પોઝિટિવ અને કોલેરાના શંકાસ્પદ 6 દર્દીઓ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે 30,426 ઘરમાં તપાસ કરીને 15,582 મકાનમાં ફોગિંગ કરાયું હતું.