Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત
રાજ્યમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત અકસ્માતની મોટી ઘટના બની છે. આ અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે પર થયો છે.

રાજકોટ: રાજ્યમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત અકસ્માતની મોટી ઘટના બની છે. આ અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે પર થયો છે. આ ગોજારા અકસ્માતમાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજકોટના માલીયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં રિક્ષા ટ્રકની નીચે ફસાઈ ગઈ હતી. ગંભીર અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળા ઉમટી પડ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષા પડીકુ વળી ગઈ હતી.
6 લોકોના મોત થયા
આ ગંભીર અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. પાંચ જેટલી 108 અકસ્માતના સ્થળ પર મોકલવામાં આવી છે. માલીયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.
અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે ટ્રક આવી રહ્યો હતો. રિક્ષામાં સવાર છ લોકોના મૃત્યુ થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે. માતા-પુત્રી,પતિ-પત્ની સહિત એક જ પરિવારના છ લોકોના મૃત્યુ થયા છે. પરિવાર લગ્નમાં જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતની ઘટના બની હતી.
મૃતકોના નામ
1. શારદાબેન નકુમ (ઉવ,૬૦),
2. યુવરાજ નકુમ(ઉવ,૩૦),
3. વેદાંશી સાગર સોલંકી
4. નંદની સાગર સોલંકી (ઉવ,૨૫)
5.શીતલ યુવરાજ નકુમ (ઉ.વ,૨૯),
6 ભૂમિ રાજુ નકુમ (ઉવ,૨૨)ના મૃત્યુ નિપજ્યા છે.
મોડી રાત્રે દ્વારકા-પોરબંદર રોડ પર અકસ્માતની ઘટના બની હતી
ગઈ કાલે મોડી રાત્રે દ્વારકા-પોરબંદર રોડ પર અકસ્માતની ઘટના બની હતી. સોમનાથથી દ્વારકા જતા સમયેઆ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કર્ણાટકના પરિવારના યાત્રાળુઓને આ અકસ્માત નડ્યો હતો.
બસ સાથે ડમ્પર અથડાતા અકસ્માત સર્જાયો
પોરબંદરના કુછડી નજીક મીની બસ સાથે ડમ્પર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ બસમાં કુલ 19 લોકો સવાર હતા જેમાંથી 12 લોકોને ઈજા પહોંચી છે. જ્યારે 2 લોકોના મોત નીપજયા છે. ઇજાગ્રસ્તોને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
કર્ણાટકથી શ્રદ્ધાળુઓ ભરીને ઉપડેલી બસ સોમવારે મોડી રાત્રે પોરબંદર-દ્વારકા હાઇવે પર કુછડી ગામ નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગંભીર અકસ્માતની ઘટનાઓ ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. વાહન ચાલકોની બેદરકારીના કારણે અનેક લોકોના જીવ જાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
