(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં મિની લોકડાઉનથી વેપારીઓની તૂટી કમર, કેસ ઘટતાં દુકાનો શરૂ કરવાની કરી માંગ
સરકાર તરફથી લગાવવામાં આવેલા નિયંત્રણો અને રાત્રિ કર્ફ્યૂને લઈને નાના વેપારીઓ અને ધંધાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે..હજી તો પહેલા લોકડાઉનની કળ વળી નથી ત્યાં ફરી લોકડાઉન જેવી સ્થિતિથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે.
અમરેલીઃ અમરેલી શહેરમાં સરકાર તરફથી લગાવવામાં આવેલા નિયંત્રણો અને રાત્રિ કર્ફ્યૂને (Night Curfew) લઈને નાના વેપારીઓ અને ધંધાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે..હજી તો પહેલા લોકડાઉનની (Lockdown) કળ વળી નથી ત્યાં ફરી લોકડાઉન જેવી સ્થિતિથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. અમરેલીના (Amreli) ઇન્દિરા શોપિંગ સેન્ટર વિસ્તારમાં 30 વર્ષથી કાપડની દુકાન ચલાવતા યોગેશભાઈ કોટેચાના કહેવા મુજબ મિની લોકડાઉનના (Mini Lockdown) કારણે તેમની કમર તૂટી ગઇ છે. કારણકે છેલ્લા બે વર્ષથી ધંધામાં ખોટ સહન કરી રહ્યા છે. દુકાન શરૂ કરવા માટે તેમણે લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે. પરંતુ મિની લોકડાઉનના કારણે દુકાન બંધ રાખવી પોષાય તેમ નથી. આવક નહીં હોવાથી તેમણે પોતાના ઘર ખર્ચ પર કાપ મુકી દીધો છે. તો મિત્રો પાસેથી ઉધાર લઈને દુકાન ચલાવવા પ્રયાસ કરી રહ્યા છે.
કોરોનાની પહેલી લહેરના સમયે તંત્ર દ્વારા લોકડાઉન લગાવતા તમામ ધંધા રોજગાર બંધ રહ્યા હતા.જેથી મોટી નુકશાની ભોગવવાનો વેપારીઓને વારો આવ્યો હતો.ત્યાર બાદ બીજી લહેરમાં પણ કોઈ સહાય વગર મીની લોકડાઉનને કારણે વેપારીની મુશ્કેલીમાં વધારો થયો છે. હાલ આ કાપડના વેપારીને માસિક 1.5 લાખ આસપાસનું ટર્ન ઓવર થાય છે. જેમાંથી આ કાપડના વેપારીને 40 હજાર આસપાસનો નફો રહે છે. તેમની ઉંમર હોવાથી દુકાનમાં 3 જેટલા માણસો કામ પર રાખ્યા છે. દુકાનમાં 3 માણસોનો પગાર 7 થી લઈને 10 હજાર સુધીના છે. તેમજ આ દુકાન પોતાના માલિકીની છે પરંતુ લાઈટ બિલ,વેરો,ટેક્સ પણ ભરવો પડે છે. જેથી વેપારીને ધંધો રોજગાર ચલાવવો મુશ્કેલ પડી રહ્યો છે.
હાલ દુકાનો બંધ છે તેમ છતાં તેમના ત્યાં કામ કરતા મજૂરો ને તેઓ પગાર ચૂકવી રહ્યા હોવાનું વેપારી કહી રહ્યા છે,તો દુકાનો બંધ હોવાથી ઘર ખર્ચ ચલાવવો અને પરિવારજનોનું ભરણ પોષણ કરવુ મુશ્કેલ પડતું હોવાનું વેપારી કહી રહ્યા છે અને માર્કેટમાં વેપાર ન હોવાથી નાણાનું ટર્ન ઓવર પણ ખૂબ ઓછું થયું છે. લાખો રૂપિયાનું દુકાનમાં રોકાણ છે તેવામાં દુકાન બંધ રાખવું તે પણ પોષાય તેમ નથી તો છેલ્લું બંધ આવ્યું ત્યારે રોકડ પણ વેપારીઓ પાસે નથી અને નાના વેપારીઓ અને મધ્યમ વર્ગના વેપારીઓની પરિસ્થિતિ ખૂબ દયનિય છે. તો અન્ય સંસ્થાઓ અને ધંધા રોજગાર ચાલુ છે તો વેપારીઓની દુકાન જ કેમ બંધ. અને માત્ર 36 શહેરોમાં જ કોરોના છે તેવા પણ સવાલ વેપારી કરી રહ્યા છે.પરિવારનો ખર્ચ ઓછો કરી અને સગા સંબંધીઓ પાસેથી ઉછીના લઈને દુકાન ચલાવતા હોવાનું વેપારી કહી રહ્યા છે.
અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના (Amreli Chamber of Comerce) પ્રમુખ ચતુરભાઈ અકબરીના કહેવા મુજબ, શહેરના અનેક નાના-મોટા વેપારીઓની પરિસ્થિતિ ખરાબ છે. સરકાર નાના શહેરોનું વિચારીને બપોરના 2 વાગ્યા સુધી બંધ રાખે તે જરૂરી છે. હાલ કેસમાં ઘટાડો થઇ રહ્યો છે તો બપોર બાદ ધંધા રોજગાર ચાલુ રાખવા જોઈએ.જેથી નાના વેપારીઓને મુશ્કેલી ન પડે. નાના વેપારીઓનો ધંધો ફરીથી ધમધમતો થાય તે માટે 1 લાખ સુધીની લોન આપવી જોઈએ.