(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જો વહેલો વરસાદ પડે તો કેરી, ઉનાળુ મગ, તલ સહિતના પાકને નુકસાન થશે.
Weather: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતો ફરી ચિંતિત બન્યા છે. જો વહેલો વરસાદ પડે તો કેરી, ઉનાળુ મગ, તલ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે. કમોસમી વરસાદ પડે તો કેરીના પાકને સૌથી વધુ નુકસાન થશે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ઉનાળુ તલનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષ કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી
ગાંધીનગર: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 થી 10 જૂન દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 જૂને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. જ્યારે 9 અને 10 જૂને સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ વરસશે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે આવતીકાલથી ગરમીથી રાહત મળશે. આવતીકાલથી ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે.
રાજકોટમાં ડોર બેલ વગાડવા જેવી સામાન્ય બાબતે આધેડની હત્યા
રંગીલા રાજકોટમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. અહીં ડોર બેલ વગાડવા જેવી સામાન્ય બાબતે 70 વર્ષીય વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે. જામનગર રોડ પર નાગેશ્વરમાં આવેલ અરિહંત એપાર્ટમેન્ટ પાસે આ હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગત સાંજે 70 વર્ષીય કિરીટ ભાઈ શાહ અરિહંત એપાર્ટમેન્ટમાં રહેતા અભય ઉર્ફે મોન્ટુ વ્યાસના ઘરે બુક લેવા ગયા હતા. અભયના એપાર્ટમેન્ટનું ડોર બેલ વગાડતા તેણે દરવાજો ખોલ્યો ન હતો.
ત્યાર બાદ વૃદ્ધ ત્યાંથી નીકળી પોતાના એપાર્ટમેન્ટ તરફ જતા હતા તે દરમ્યાન "તે મારી ડોર બેલ કેમ વગાડી ને મારી નીંદર બગાડી " કહી અભય વ્યાસે વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો. બોથડ પદાર્થ વડે હુમલો કરતા કિરીટ શાહ ઘાયલ થયા હતા અને તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. આ હત્યાની જાણ પોલીસને કરવામં આવતા ગાંધીગ્રામ પોલીસે આરોપી અભયને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે. જો કે સામે આવેલી વિગતો અનુસાર આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.