(Source: ECI/ABP News/ABP Majha)
વીજળીની ખેતી : ગોંડલના ઉમરાડી ગામમાં ખેતરમાં વીજળીની ખેતી કરી દર મહિને 15 લાખની કમાણી કરી રહ્યાં છે ખેડૂતો
Solar plant in Umradi village of Gondal : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઉમરાડી ગામે સોલાર પ્લાન્ટ દ્વારા વીજળી ઉત્પન્ન કરીને ખેડૂતો અઢળક કમાણી કરી રહ્યાં છે.
RAJKOT : ખેતીનું નામ પડેને આપણને લહેરાતા ખેત પાક યાદ આવે. ખેડૂતો ખેતરમાં વિવિધ પાકોનું વાવેતર કરી ખેત ઉત્પાદન કરતા હોય છે.જો કે આજે અમે તમને વાત કરવાના છીએ વીજળીની ખેતીની. તમને સાંભળીને નવાઈ ચોક્કસ લાગશે પરંતુ ગોંડલ તાલુકાના ઉમરાડી ગામમાં ખેતરમાં અનેક ગામોને વીજળી પૂરી થઈ શકે એટલી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.
દરરોજની 1200 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઉમરાડી ગામની સીમ વિસ્તારમાં થાય છે વીજળીની ખેતી. અહીં બાર વિઘા જમીનમાં વિશાળ સોલાર પ્લાન્ટ ઉભો કરાયો છે. બે મેગાવોટનો આ સોલાર પ્લાન્ટ છે. અહીં સૂર્યમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે જેને નજીકના PGVCLના સબ સ્ટેશન પર મોકલવામાં છે. આ સોલાર પ્લાન્ટમાં દરરોજની 1200 યુનિટ વીજળી જનરેટ થાય છે. એવરેજ એક મહિનામાં ત્રણ લાખ સાઈઠ હજાર યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.
મહિને 15 લાખનો થાય છે ફાયદો
અહીં ઉત્પન્ન થતી વીજળીમાંથી ખેડૂતને અધધ ફાયદો થાય છે. દર મહિને આશરે 15 લાખ રૂપિયાનો ફાયદો થતો હોવાની વાત પણ આ પ્લાન્ટ સ્થાપનારે કરી હતી. વર્ષ દરમિયાન સવા કરોડથી વધુ રૂપિયાનો ફાયદો આ વીજળી ઉત્પન્ન કરી કરવામાં આવે છે.અહીં ઉત્પન્ન થતી વીજળી અનેક ગામોમાં પૂરી પાડી શકાય એટલા યુનિટ જનરેટ થાય છે.
360થી વધુ સોલાર પેનલ, 10 કરોડનો ખર્ચ
રાજકોટના ઉમરાડી ગામમાં આ પ્લાન્ટ થોડા વર્ષો પહેલા સ્થપાયો હતો.આ પ્લાન્ટ દસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો હતો.. આ પ્લાનમાં 360 કરતાં પણ વધુ સોલાર પેનલ લાગેલી છે.અહીંયા બે એન્જિનિયર સહિત પાંચ લોકોનો સ્ટાફ કામ કરતો હોય છે.સામાન્ય રીતે આ પ્લાન્ટ મોટો હોવા છતાં નહિવત લોકો પર જ ચાલતો હોય છે.આ પ્લાન્ટમાં વીજળીનું સારું ઉત્પાદન મળી રહે એટલા માટે દર ત્રણ દિવસે સોલાર પેનલો ધોવામાં આવતી હોય છે.અહીંયા રોકાણકારને બિલકુલ સમય આપો પડતો નથી.ઉપરાંત અહીં વેરેંટેજ પણ નહિવત હોય છે. અલગ અલગ બે ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા છે જેના દ્વારા સોલાર પ્લાન્ટમાં ઉત્પન્ન થતી વીજળી નજીકના સબસ્ટેશનમાં પહોંચાડવામાં આવે છે.
સરકારે સોલર પ્લાન્ટ માટેની સબસીડી બંધ કરી
એક તરફ સરકાર કોલસો બાળી વીજળી ઉત્પન્ન કરે છે લાખો રૂપિયાનું આંધણ કરી વીજળીનું ઉત્પાદન સરકાર મેળવે છે તો બીજી તરફ કેટલાક રોકાણકારો પોતે રૂપિયા રોકીને વીજળી ઉત્પાદન કરવા તૈયાર છે. આવા સમયે જ સરકારે સોલર પ્લાન્ટ માટેની સબસીડી બંધ કરી દીધી છે.. ત્યારે રોકાણકારોનુ પણ કહેવું છે કે જો સરકાર સબસીડી ચાલુ કરે તો બધાને ફાયદો થઈ શકે છે. હાલમાં સરકાર દ્વારા સબસીડી બંધ કરી દેવામાં આવી છે તેથી અનેક લોકો પ્લાન્ટ સ્થાપી શક્યા નથી જો સબસિડીનો લાભ મળે તો મોટી સંખ્યામાં આવા પ્લાન્ટ લોકો સ્થાપી શકે છે જેથી ઘટતી વીજળીની સમસ્યા પણ નિવારી શકાય છે