રાજકોટ ભાજપ કાર્યાલયમાં રૂપાણી વિરૂધ્ધ બોલનારા ક્યા ટોચના નેતાની તખતી લગાવાઈ ? પ્રદેશ ભાજપમાંથી કોને મહત્વ આપવા કરાયો આદેશ ?
ભાજપના કાર્યકર સ્નેહ મિલનમાં વિજય રૂપાણી અને રામભાઈ મોકરીયા વચ્ચેના અણબનાવની ઘટના વચ્ચે હવે રાજકોટ શહેર ભાજપ કાર્યાલયમાં સાંસદ રામભાઈ મોકરિયાના નામની તકતી લગાવાતાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
રાજકોટઃ રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદ અને વિખવાદ વચ્ચે નવાં સમીકરણો રચાઈ રહ્યાં છે. ભાજપના કાર્યકર સ્નેહ મિલનમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયા વચ્ચેના અણબનાવની ઘટના વચ્ચે હવે રાજકોટ શહેર ભાજપ કાર્યાલયમાં સાંસદ રામભાઈ મોકરિયાના નામની તકતી લગાવાતાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
રાજકોટ શહેર ભાજપના આગેવાનો, ધારાસભ્યોની સાથે સાંસદ રામભાઈ મોકરિયાનું નામ પણ રાજકોટ શહેર ભાજપ કાર્યાલયમાં લખવામાં આવ્યું છે. સૂત્રોનો દાવો છે કે, થોડા દિવસ પહેલાં પ્રદેશ ભાજપમાંથી પણ સાંસદ રામભાઈ મોકરિયાને મહત્વ આપવામાં આવે તેવા આદેશ કરવામા આવ્યા હતા.
રાજકોટમાં રૂપાણીની હાજરીમાં થયેલા ભાજપના તાયફાની અસર, C.R. પાટીલનું કાર્યકર સંમેલન રદ, હવે શું થશે ?
રાજકોટઃ રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદનો મામલો સામે આવ્યો છે. 15 તારીખના રોજ ભાજપના બે દિગ્ગજ આગેવાનો વચ્ચે બોલાચાલીના પડઘા પડ્યા છે. આગામી 20 તારીખના રોજ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલનું કાર્યકર્તા સંમેલન રદ કરવામાં આવ્યું છે. હવે સી.આર.પાટીલ અન્ય કાર્યક્રમમાં હાજરી આપશે.
બે દિવસ પહેલા જ રાજકોટમાં ભાજપના સ્નેહ મિલનમાં ધારાસભ્ય ગોવિંદ પટેલ અને વિજય રૂપાણીનો તકરારનો વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ વીડિયો મુદ્દે ખૂદ ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ ધડાકો કર્યો હતો. તેમણે કહ્યું કે, સ્ટેજ પર વિજયભાઈ રૂપાણી ગોવિંદ પટેલને ધમકાવતા હતા. પત્રિકામાં નામ છાપવાની બાબતે વિવાદ હતો. હું તેમને આ અંગે કહેવા ગયો તો તેમણે કહ્યું, હું ગોવિંદભાઈ સાથે વાત કરું છું. તમે બેસી જાવ. તેમણે કહ્યું કે, વિજયભાઈ તમે મુખ્યમંત્રી રહી ચૂક્યા છો. અત્યારે મીડિયા સામે છે અને કાર્યકરો પણ છે, ત્યારે જાહેરમાં આવું કરવું યોગ્ય નથી.
આ વિવાદ પછી આગામી 20મીએ રાજકોટમાં પાટીલની ઉપસ્થિતિમાં મોકરિયા જૂથે રાખેલો જનસંઘથી ભાજપ નામનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા કરાયું હતું. જેમાં શહેર ભાજપના રૂપાણી સમર્થકોને સાઇડલાઇન કરાતા આ મુદ્દે બે દિવસ પહેલાના સ્નેહમિલનમાં વિખવાદ થયો હોવાની ચર્ચા છે. તકરારનો વીડિયો વાયરલ થયા પછી પ્રદેશ બાજપ હરકતમાં આવ્યું હતું. પ્રદેશ ભાજપની સૂચનાથી 20મીનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે.
જોકે, સી.આર. પાટીલના બ્રહ્મસમાજ અને ઉદ્યોગકારો સાથેના કાર્યક્રમ હજુ યથાવત હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટમાં સોમવારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. જો કે આ સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકામાં સત્તામાં બેઠેલા સિનિયરના નામો ભૂલાતાં વિવાદ થયો છે.
આ આમંત્રણ પત્રિકામાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય ગોવિંદ પટેલનું નામ નહોતું. તેના પગલે ભાજપનો આંતરવિગ્રહ સામે આવ્યો હોવાની ચર્ચા છે. ભાજપના બીજા જૂથનું સ્નેહમિલન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં 20 નવેમ્બરે યોજાશે. રાજકોટમાં જ બે સ્નેહમિલન યોજાવાનાં છે તેના કારણે વિવાદ છે જ ત્યાં હવે આ નવો વિવાદ ઉભો થયો છે.
રાજકોટ શહેર ભાજપ દ્વારા આ કાર્યકર્તા સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર ખુલ્લા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં વિવિધ મોરચાના કાર્યકરો, મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન સમારોહમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, કશ્યપ શુક્લ, જીતુભાઇ મહેતા, કમલેશ મીરાણી, ધનસુખ ભંડેરી મેયર પ્રદીપ દવ, પ્રવકતા રાજુભાઇધ્રુવ ,ઉદય કાનગડ, સહ પ્રભારી સુધીર ગુપ્તા, જીતુભાઇ વાઘણી અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઝવેરીભાઈ ઠકરાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.