Rajkot: રાજકોટ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગ, અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા
રાજકોટ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. લોધિકામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજકોટ: રાજકોટ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. લોધિકામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કોટડા સંઘાણીમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જસદણ તાલુકામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. ગોંડલમાં પણ વરસાદ પડ્યો છે.
રાજકોટ-ભાવનગર હાઈવે પરના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. અનરાધાર વરસાદના કારણે પાડાસણ અને ઉમરાળી ગામ પાણીમાં અડધા ડૂબી ગયા હતા. ગામની શેરીમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાતા લોકો જીવ બચાવવા પહેલા માળે જતા રહ્યા હતા. ખારચિયા ગામની બજારોમાં ત્રણથી પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ઘૂસતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા.
જસદણ પંથકમાં વરસાદના કારણે જસાપર ગામમાં ભાદર નદીના પાણી ઘૂસ્યા હતા. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આટકોટ,વીરનગર,જસાપર,નવાગામ અને જીવાપર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જીવાપર પાસેનો કણૂકી ડેમ ઓરફ્લો થયો છે. રસ્તા પર નદીની જેમ પાણી વહેતી થતા એક ઈકો કાર પાણીમાં તણાઈ ગઈ હતી. ત્રાંબાથી વડાલી તરફના રસ્તા પર નદીના પાણી વહેતા અંદાજે 3 કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો.
રાજકોટ જિલ્લાના કોટડા સંઘાણી પંથકમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. વદીપરા, પાંચ તલાવડા,જૂની ખોખરી, નાના માંડવા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈને કોટડા સાંગાણીથી રાજકોટ તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
લોધિકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ હતી. ખીરસરા, વાગુદડ, છપરા સહિતના ગામોમાં વરસાદને લઈને ફોફળ નદી બે કાંઠે વહેતી થઈ હતી. રાજકોટ તાલુકાના હરીપર રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરના પરિસરમાં પાણી ઘૂસ્યા હતા. મંદિરના ગ્રાઉન્ડમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો.
વરસાદના કારણે ગોંડલ-આટકોટ હાઈવે બંધ કરવો પડ્યો હતો. કોઝવે પરથી ભાદર નદીના પાણી વહેતા થતા ગોંડલ તાલુકાનું કમઢીયા અને શ્રીનાથગઢ ગામને જોડતો રસ્તો બંધ કરવો પડ્યો હતો. ગોંડલની ગોંડલી નદીમાં ભારે પૂર આવતા પ્રશાસને નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સાચવેત રહેવાની અપીલ કરી હતી.
રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થયો છે. સરધાર, ત્રંબા, સમઢીયાળા સહિતના ગામોમાં મૂશળધાર વરસાદના કારણે આજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મનપાએ નદી કાંઠાના વિસ્તારોને સાવચેત કર્યા.જેતપુરનો ભાદર-1 ડેમ ઓવરફ્લો થતા, ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી પાણી છોડાતા ભાદર નદી તોફાની બની હતી. નદીના પ્રવાહમાં એક ગાય તણાવા લાગી.જોકે, સ્થાનિકોએ ગાયનું રેસ્ક્યૂ કર્યું હતું.