Gujarat Rain: ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘતાંડવ, જનજીવન પ્રભાવિત
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભાવનગર જિલ્લામાં તારાજી સર્જાઈ છે. ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં આભ ફાટ્યું છે.

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભાવનગર જિલ્લામાં તારાજી સર્જાઈ છે. ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં આભ ફાટ્યું છે. ભાવનગર જિલ્લાના અનેક ગામડાઓમાં પાણી ફરી વળતા રસ્તા ધોવાઈ ગયા છે. આ સિવાય નદીઓમાં નવા નીરની આવક થતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ભાવનગરનો શેત્રુજી ડેમ ઓવરફ્લો થયો છે. ગામમાં નદી નાળાના પાણી ઘૂસી ગયા હતાં, અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
ભાવનગરના વલ્લભીપુર તાલુકાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના પાણી આસપાસના ગામડાઓમાં ફરી વળ્યા છે. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે નવાગામ, ખેતાટીંબી સહિતના ગામડાઓના તાલુકા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. નવા નીર આવવાથી નદીના આસપાસના ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે.
શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો
ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવક થવા પામી છે. ડેમમાં હાલ 79760 ક્યુસેકથી પણ વધું પાણીની આવક થઈ રહી છે. શેત્રુંજી ડેમની સપાટી હાલમાં 34 ફૂટથી ઉપર વહી રહી છે અને ડેમ ઓવરફ્લો થયો છે.
ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ભાવનગરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા લોકો વચ્ચે ફસાયા હતા પાલીતાણા તાલુકાના 3 ગામમાં વિવિધ સ્થળે લોકો ફસાયા હતા. સોમવારે ભાવનગરમાં પડેલા વરસાદના કારણે લોકો ફસાયા હતા.સેંજળીયા ગામમાંથી કુલ 19 લોકો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મોખડકા ગામમાંથી કુલ 11 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું, આકોલાળી ગામમાંથી 1 વ્યક્તિનું રેસ્ક્યું કરાયું છે. પાલિતાણાના સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ લોકોને સલામત રીતે બહાર કઢાયા છે.
12 ગામનો સંપર્ક તૂટ્યો હતો
પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો હતો. રંડોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા સંપર્ક તૂટ્યો હતો. બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા,ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મૂશળધાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક થઇ રહી છે.
અમરેલીમાં જળબંબાકાર
અમરેલીમાં 24 કલાકમાં સાવરકુંડલામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજુલામાં 7.4 ઈંચ, અમરેલીમાં 6.8 વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. લીલીયામાં 6.7 ઈંચ, બાબરામાં 4., લાઠીમાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો હતો. મૂશળધાર વરસાદથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
રાજુલા પંથકમાં ભારે વરસાદ
અમરેલીના રાજુલા પંથકમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. રાજુલા તાલુકાના ઉટિયાથી રાજપરડા વચ્ચે વહેલી સવારે કાર તણાઇ હતી. અમરેલીના રાજુલામાં ઉટિયાથી રાજપરડા ગામે સવારે કાર તણાઈ હતી. કાર તણાઈ જતા એકનું મોત થયું હતું.





















