Rajkot: રાજકોટમાં ‘હેલ્મેટ ડ્રાઈવ’, પોલીસની હાજરીમાં AAP શહેર પ્રમુખે તોડ્યું હેલ્મેટ
રાજકોટમાં આજથી ફરજિયાત હેલ્મેટની નિયમની અમલવારી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મોટાભાગના ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરેલા કેમેરામાં કેદ થયા છે.

રાજકોટ: રાજકોટમાં આજથી ફરજિયાત હેલ્મેટની નિયમની અમલવારી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મોટાભાગના ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરેલા કેમેરામાં કેદ થયા છે. રાજકોટ પોલીસે અલગ- અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે. સોરઠીયાવાળી સર્કલ, રિંગ રોડ, મવડી વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
પહેલા ખાડા પૂરો પછી હેલ્મેટની અમલવારી કરવા લોકોની માંગ
હેલ્મેટ ફરજિયાત કરાતા વાહનચાલકોમાં જોરદાર આક્રોશ છે. પહેલા ખાડા પૂરો પછી હેલ્મેટની અમલવારી કરવા લોકો માંગ કરી રહ્યા છે. આજથી હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો પાસેથી 500ના દંડની વસૂલાત કરવામાં આવશે. 400 પોલીસ અધિકારી- કર્મચારીનો સ્ટાફ વાહન ચેકિંગમાં જોડાયો છે.
રાજકોટ ટ્રાફિક DCPના જણાવ્યા મુજબ હેલ્મેટનો કાયદો 1988થી પણ નિયમનું પાલન નથી કરાતું. પોલીસે અત્યાર સુધીમાં ત્રણ હજાર નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કર્યું છે. સ્પોન્સર વધશે તો હજુ પણ પોલીસ નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કરશે.
રાજકોટમાં આમ આદમી પાર્ટીએ હેલ્મેટનો વિરોધ કર્યો હતો. મંજૂરી વગર વિરોધ કરતા AAPના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. AAP શહેર પ્રમુખ દિનેશ જોશીએ પોલીસની હાજરીમાં હેલ્મેટ તોડ્યું હતું.
રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકોને અટકાવીને ફરિયાદો નોંધવામાં આવી હતી. પોલીસ અનેક લોકોને દંડ ફટકારી રહી છે. હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો પાસેથી 500ના દંડની વસૂલાત કરવામાં આવશે.
વાહનચાલકોમાં ભારે રોષ
રાજકોટ શહેરમાં વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરતા અનેક વિસ્તારોમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવ્યા છે. વાહનચાલકો અને પોલીસ દ્વારા ઘર્ષણ થઈ રહ્યું છે. વાહનચાલકો સતત હેલ્મેટનો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે શહેરમાં હેલ્મેટ ફરજિયાત ન હોવું જોઈએ. હાઈવે પર હેલ્મેટ પહેરવું જોઈએ.
રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રેસ રિલીઝ દ્વારા હેલ્મેટ ફરજિયાત અંગે જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રેસ રિલીઝમાં લખ્યું છે કે, રાજકોટ શહેરી વિસ્તારમાં ટુ-વ્હીલર વાહન ચલાવતા સમયે વાહન ચાલક દ્વારા હેલ્મેટ ન પહેરવાના કારણે જીવલેણ માર્ગ અકસ્માતના બનાવો બની રહેલ છે. વર્ષ 2025માં ટુ-વ્હીલર વાહન ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરવાના કારણે 20 ફેટલ અકસ્માતમાં 20 વ્યક્તિઓના મૃત્યુ અને 9 ગંભીર અકસ્માતમાં 10 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થયેલ છે. વાહન ચલાવતા સમયે લાઈસન્સ, પીયુસી કે અન્ય ડૉક્યુમેન્ટ ન હોવાથી માત્ર ટ્રાફિકના નિયમો ભંગ થાય છે, પરંતુ ટુ-વ્હીલર વાહન ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરવાથી માણસોની અમૂલ્ય જીંદગી જોખમાય છે.





















