રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાલે ફરી વરસાદની આગાહી, હવામાન વિભાગનું ‘રેડ એલર્ટ’ જાહેર
છેલ્લા ઘણા દિવસથી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર માટે વરસાદ આફત બન્યો હોય તેવી રીતે હજુ અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયેલા છે.
રાજકોટ: છેલ્લા ઘણા દિવસથી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર માટે વરસાદ આફત બન્યો હોય તેવી રીતે હજુ અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયેલા છે. બીજી બાજુ આવતીકાલે ફરી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી આપતાં રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્ર માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે ગુજરાત હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આજે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ કાલે સવારથી જ વરસાદના જોરમાં વધારો થવાની સંભાવનાને પગલે ભારે વરસાદ પડી શકે છે એટલા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરો-તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો એટલા માટે હવે આવનારો એક ઈંચ વરસાદ પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. જો કે વરસાદ પડવાને પગલે સરકાર દ્વારા બચાવ-રાહતની તમામ કાર્યવાહી કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે આજે સાઉથ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને કાલે ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ સૌરાષ્ટ્રમાં પડવાનો હોવાથી લોકો સાવચેત રહે તે અત્યંત જરૂરી બની ગયું છે.
ગઈકાલના એક જ દિવસમાં રાજકોટમાં 18 ઈંચ તો લોધીકામાં 25 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આવી જ રીતે જામનગર જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળી નાખ્યું હોય તેવી રીતે લગભગ તમામ વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીધી પૂરગ્રસ્ત લોકોની મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદથી તેમને થયેલા નુકશાનની વિગતો જાણી હતી. ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને તમામ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.
મુખ્યમંત્રી સાથે જામનગરના સાંસદ પૂનમ માડમ , પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર તેમજ અન્ય પદાધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી, કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા. જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બે જિલ્લાની મુલાકાતે હવાઈ માર્ગે નીકળ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે નીતિન પટેલ કે ભાજપના બીજા ટોચના નેતા નહીં પણ જામનગરના સ્થાનિક આગેવાનો જોડાયા છે. ગાંધીનગરથી બપોરે 1 કલાકે ભૂતપૂર્વ મંત્રી આર.સી ફળદુ , જામનગરનાં સાંસદ પૂનમ બહેન માડમ અને મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે આ બે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓની જાત માહિતી મેળવવા રવાના થયા હતા.