Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 25 લોકોના મોત થયા. અગ્નિકાંડમાં ઈજાગ્રસ્તોની સંખ્યા હજુ સામે આવી નથી. પોલીસના મતે આગ રાત્રે લગભગ 12 વાગ્યે લાગી હતી. આગની ઘટનાની જાણ થતા જ તાત્કાલિક મુખ્યમંત્રી અને ધારાસભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. મૃતકો 25 પૈકી ત્રણથી ચાર પર્યટકો હોવાનું સામે આવ્યું. જ્યારે 19 ક્લબના કર્મચારીઓના અગ્નિકાંડમાં મોત થયા. મોટાભાગના લોકોના આગના કારણે શ્વાસ રૂંધાઈ જતા મોત થયા છે. મુખ્યમંત્રીએ દુર્ઘટના પાછળનું કારણ જાણવા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ કર્યા છે. મુખ્યમંત્રીએ તપાસ બાદ જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હાલ તો પ્રાથમિક તપાસમાં નાઈટ ક્લબમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરાયાનું સામે આવ્યું છે. જોકે આગનું સ્પષ્ટ અને સચોટ કારણ માટે ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લેવામાં આવી છે. ફોરેન્સિક નિષ્ણાંતો આજ સવારથી નાઈટ ક્લબમાં તપાસ કરશે. ગોવાના ડીજીપી આલોક કુમારે કહ્યું કે 25 લોકોના અત્યાર સુધીમાં મૃતદેહ મળ્યા છે. મૃત્યુ પામનારા મોટાભાગના ક્લબના કર્મચારીઓ જ હતા.





















