ગુજરાત પોલીસના રત્ન આર.ડી.ઝાલાની વિદાય
ગુજરાત પોલીસનુ રત્ન, નવનિયુકત પોલીસ અધિકારીઓના આદર્શ એવા નિવૃત ડીએસપી આર.ડી ઝાલાનુ રાજકોટ ખાતે અવસાન થતાં સમગ્ર પોલીસ પરિવારમાં શોક છવાઈ ગયો છે.
ગુજરાત પોલીસનુ રત્ન, નવનિયુકત પોલીસ અધિકારીઓના આદર્શ એવા નિવૃત ડીએસપી આર.ડી ઝાલાનુ રાજકોટ ખાતે અવસાન થતાં સમગ્ર પોલીસ પરિવારમાં શોક છવાઈ ગયો છે. IPS તરીકે નિવૃત થયેલા આર.ડી.ઝાલા એક સારા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા અધિકારી ઉપરાંત સારા અશ્વ નિષ્ણાંત પણ હતા. ગુજરાત પોલીસના આંગળીના વેઢે ગણી શકાય તેવા અધિકારીઓમાં તેમની ગણના થતી હતી.
ગુજરાત પોલીસના જાંબાઝ અધિકારી એવા નિવૃત DSP આર.ડી.ઝાલા સાહેબનુ આજરોજ (સોમવાર- 19 જૂન) રાજકોટ ખાતે 87 વર્ષની વયે દુખદ અવસાન થયુ છે. તેમના અવસાનના સમાચાર મળતા જાણે એક યુગનો અંત થયો હોય તેમ લાગી રહ્યુ છે. આજના IPS અધિકારીઓ તેમને રુબરુ મળતા ત્યારે તેમનામાં અધિકારી જેવો જુસ્સો અને ઠાઠ જોવા મળતો અને તેમની પાસેથી ઘણી શિખ મેળવતા હતા. આર.ડી.ઝાલા સાહેબ વર્ષ 1958માં મુંબઈ પોલીસમાં જોડાયા અને નાસીક ખાતે ટ્રેનિંગ લીધી હતી. બાદમાં 1960માં તેઓ ગુજરાતની સ્થાપના બાદ ગુજરાત પોલીસમાં જોડાયા.
1936માં ભાવનગરમાં જન્મેલા આર.ડી.ઝાલા એક હિંમતવાન પોલીસ અધિકારી તરીકે છાપ ધરાવતા હતા. પોલીસ પ્રજાની સેવક છે તે પ્રતિતી કરાવનારા અધિકારી એટલે આર.ડીઝાલા. તેમના પોલીસ તરીકેના સેવાકીય કાર્યોના અનેક કિસ્સા આજે પણ એક સંભારણા રુપે જોવામાં આવે છે. પોલીસ અધિકારી તરીકે PSI થી શરુઆત કરી હતી બાદમાં તેમને PI તરીકે પ્રમોશન મળ્યું અને ત્યારબાદ DySP બન્યા. વર્ષ 1987માં તેમને રાજય સરકારે IPSનુ નોમિનેશન આપ્યું હતું. વર્ષ 1992માં તેઓ સેવા નિવૃત થયા ત્યાં સુધી તેઓેેેએ હિંમત અને વટથી નોકરી કરી હતી. 1992માં તેમનુ છેલ્લુ પોસ્ટીંગ પંચમહાલ SP તરીકે હતું. હાલના ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય જયારે પ્રોબેશનલ IPS તરીકે તેમની કારર્કિદી શરુઆત ગોધરાથી કરી ત્યારે આર.ડી.ઝાલા તેમના પોલીસ અધિક્ષક હતા. હાલમાં જ તેઓ ગુજરાતના DGP બન્યા બાદ રાજકોટ મુલાકાતે ગયા ત્યારે આર.ડીઝાલાના ખબર અંંતર પુછવા તેમના ઘરે ગયા હતા.
આર.ડી.ઝાલા સાહેબ એક ખુબ સારા અશ્વ સવાર હતા. કાઠીયાવાડી અને મારવાડી ઘોડાના સારા એવા અભ્યાસુ લોકોમાં તેમની ગણના થતી હતી. કાઠીયાવાડી અશ્વોના તેઓ ખુબ જાણકાર હોય રાજય સરકાર પોલીસ માટે અશ્વોની ખરીદી કરતી ત્યારે આર.ડી.ઝાલા સાહેબની સલાહ લેવામાં આવતી. તેમના અશ્વ પ્રત્યેના પ્રેમને લઈને ભાવનગર, અમરેલી અને રાજકોટમાં આજે આર.ડી.ઝાલા હોર્સ રાઈડીંગ કલબ ચાલી રહી છે.
સંવેદનશીલ જગ્યા પર અનિચ્છનીય બનાવ બને જ નહીં ત્યારે સમજી લેવુ કે ત્યાં આર.ડી.ઝાલાનુ પોસ્ટીંગ છે. ગુજરાતના અનેક જિલ્લામાં તેઓેએ નોકરી કરીને આજે પણ લોકો યાદ કરે તેવી સુવાસ ફેલાવી હતી. અમરેલી, ભાવનગર, રાધનપુર, રાજકોટ અને અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં તેઓ કામ કરી ચૂક્યાં હતા. નિવૃતી બાદ તેઓ અમરેલીના ગઢીયા ખાતે અશ્વો સાથે પોતાની વાડીમાં જીવન પસાર કરતા હતા. તેઓ પર્યાવરણ પ્રેમી હતા અને એટલે તેમને પોતાની વાડીમાં લાઈટ સુધ્ધા નહીં રાખીને કુદરતી વાતાવરણ વચ્ચે રહેવાનુ પસંદ કર્યું હતું.
આર.ડી.ઝાલા (વચ્ચે) ના લગ્નમાં મુંબઈના પ્રથમ પોલીસ કમિશનર પ્રવિણસિંહજી ઓફ લાઠી (ડાબી બાજુ) અને ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી (જમણી બાજુ)
નિવૃત આઈપીએસ કેશવકુમાર જયારે રેન્જ આઈજી હતા ત્યારે સિંહોના શિકાર કરતી ટોળકીને પકડી હતી. આ આખુ ઓપરેશન આર.ડી.ઝાલાની આગેવાની હેઠળ કેશવકુમારે પાર પાડયું અને શિકારીઓને સજા અપાવડાવી હતી. તેઓ એક ફરજનિષ્ઠ અધિકારી હતા. વર્ષ 1984માં ભાવનગરના ગારિયાધાર પાસે થયેલા માનગઢ હત્યાકાંડ વખતે તેઓ ભાવનગરમાં DySP તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે આ હત્યાકાંડે ગુજરાતમાં ચકચાર મચાવી હતી. હત્યાકાંડના આરોપીઓને પકડવા માટે તેઓ પોતાની દિકરીની સગાઈમાં પણ હાજરી નહોતી આપી શક્યા આ વાતનો તેમને આજીવન અફસોસ રહ્યો હતો.
આર.ડી.ઝાલા તેમના ધર્મપત્ની સાથે
આજના ઉભરતા પોલીસ અધિકારીઓ માટે આર.ડી.ઝાલા એક આદર્શરુપ વ્યક્તિત્વ ગણાય ગુજરાત પોલીસના આ રત્નની વિદાયએ પોલીસ બેડા માટે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ હશે.