Rajkot Rain: રાજકોટમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
રાજકોટના યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં અડધા ઇંચ વરસાદમાં પાણી ભરાયા હતા. રાજકોટના રામકૃષ્ણ નગર સહિતના વિસ્તારોમાં થોડા વરસાદમાં પણ પાણી ભરાયા હતા.

રાજકોટ: સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ શહેરમાં વરસાદ વરસ્યો છે. શહેરના યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, કેકેવી ચોક, 150 ફૂટ રોડ, નાના મૌવા સર્કલ, બહુમાળી ભવન ચોક, ગુંદાવાડી, જયુબેલી શાક માર્કેટ, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, કોઠારીયા રોડ, ભાવનગર રોડ, રામનાથ પરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
વહેલી સવારથી ભારે બફારા બાદ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું છે. રાજકોટના યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં અડધા ઇંચ વરસાદમાં પાણી ભરાયા હતા. રાજકોટના રામકૃષ્ણ નગર સહિતના વિસ્તારોમાં થોડા વરસાદમાં પણ પાણી ભરાયા હતા. અડધો ઇંચ વરસાદમાં રાજકોટના રાજમાર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. સમી સાંજે વરસાદ પડતા વાહન ચાલકો પરેશાન થયા હતા. રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમોનશૂનની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
પોણા ઇંચ વરસાદમાં પાણી ભરાયા
રાજકોટ શહેરમાં બે વરસાદી ઝાપટા પડ્યા હતા. રાજકોટ શહેરમાં અડધાથી પોણા ઇંચ વરસાદમાં પાણી ભરાયા છે. શહેરના હેમુ ગઢવી હોલ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાંજના સમયે વરસાદ વરસતા વાહન ચાલકો પરેશાન થયા હતા. વરસાદમાં લોકોના વાહનો બંધ પડી જતા લોકો પરેશાન થયા હતા.
મહાનગરપાલિકાની કામગીરી પાણીમાં ગઈ છે. સ્થાનિક નાગરિકોએ કહ્યું મહાનગરપાલિકા પાણીના નિકાલની વ્યવસ્થા કરે. રાજકોટના લોકોએ કહ્યું દર વર્ષે આ પરિસ્થિતિ ઉભી થાય છે.
104 તાલુકામાં વરસાદ
બપોરે 2 વાગ્યાથી લઈને સાંજના 6:00 વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ ચાર કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 104 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો.
બોટાદમાં રેડ એલર્ટ જાહેર
બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બોટાદ કલેક્ટર દ્રારા આવતીકાલ સવારે 6 વાગ્યા સુધી બોટાદ જિલ્ માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના વરસેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયા છે. બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જેન્સી રોય દ્રારા માહિતી આપવામાં આવી છે. બોટાદમાં 15 ઈંચ વરસાદ વરસ્યો છે. રાણપુરમાં 5 અને બરવાળામાં 9 ઇંચ જ્યારે ગઢડામાં 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
ભારે વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાયા
બરવાળા પંથકમાં સતત વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં વાવેલ પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોની પ્રોટેક્શન દિવાલો તોડી પાણી વહી રહ્યા છે. વાવેતર કરાયેલા લીંબુના છોડ અડધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બરવાળા પંથકમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે.





















