Rajkot Rain: જેતપુર-ધોરાજીમાં ભારે પવન સાથે વરસાદ શરુ
રાજ્યમાં આ વર્ષ ચોમાસાની શરુઆત ખૂબ જ વહેલી થઈ છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.

રાજકોટ: રાજ્યમાં આ વર્ષ ચોમાસાની શરુઆત ખૂબ જ વહેલી થઈ છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં પણ આજે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે જેતપુર-ધોરાજીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેતપુર શહેરના તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, ફૂલવાડી, મોટા ચોક, સરદાર ચોક, ટાકુડી પરા, વડલી ચોક, ચાંદની ચોક, નવાગઢ સહિત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.
જેતપુર માં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા જ રોડ ઉપર પાણી વહેતા થયા છે. જેતપુરમાં વરસાદ શરૂ થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેતપુર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી વાતાવરણને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
ધોરાજીમાં લાંબા વિરામ બાદ વરસાદ
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. ધોરાજી તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોરાજીના ચકલા ચોક, સોની બજાર, શાકમાર્કેટ રોડ, ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ધોરાજીમાં ભારે વરસાદને લઈ રોડ ઉપર પાણી વહેતા થયા હતા.
ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂતવડ, ફરેણી, તોરણીયા, ગુંદાળા, નાનીપરબડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધોરાજી પંથકમાં વિરામ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
જુલાઈ 2 થી 3 દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, જુલાઈ 2 થી 3 દરમિયાન ગુજરાતમાં 'ઓરેન્જ એલર્ટ' સાથે ભારે વરસાદની શક્યતા છે. આ દિવસોમાં વધુ તીવ્ર વરસાદ પડી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કે અન્ય મુશ્કેલીઓ સર્જાવાની સંભાવના છે. તંત્ર દ્વારા આ અંગેની તૈયારીઓ રાખવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં હજુ એક સપ્તાહ સુધી વરસાદ યથાવત રહેશે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય હોવાથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે તો 2 અને 3 જૂલાઈના ભારે વરસાદની આગાહી કરી છે.
સીઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસ્યો છે. 10 વર્ષમાં જૂનમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. કચ્છ ઝોનમાં સીઝનનો અત્યાર સુધી સરેરાશ 28.83 ટકા, ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધી 33.32 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સરેરાશ 34.25 ટકા વરસાદ વરસ્યો હતો.





















